બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાયને સતત નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ સ્થિતિ હજી પણ યથાવત જોવા મળી રહી છે. હિંદુઓના માત્ર હેરાન જ નહીં પરંતુ હવે જાહેરમાં હિંદુઓની હત્યાઓ પણ થવા લાગી છે. બાંગ્લાદેશના નરસિંગડી જિલ્લામાં ફરી એક હિંદુની હત્યા થઈ છે. કરિયાણાની દુકાનદાર મોની ચક્રવર્તીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મોની પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો.
હિંદુ વેપારી ગંભીર રીતે ઘાયલ થયો હોવાના કારણે સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પલાશ પોલીસ સ્ટેશનના અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી હતી. પોલીસની જણાવ્યાં પ્રમાણે હત્યામાં તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પોલીસ હવે આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. પોલીસ માત્ર તપાસ જ કરે છે. તેમાં કોઈ કામગીરી કેમ કરવામાં નથી આવતી? છેલ્લા એક જ મહિનામાં અનેક હિંદુઓની હત્યા થઈ છે.
બાંગ્લાદેશ અત્યારે હિંદુઓ માટે સુરક્ષિત છે કે કેમ કે એક સવાલ બની ગયો છે. સતત હિંદુઓને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યાં છે અને હવે તો હત્યાની પણ ઘટનાઓ વધી રહી છે. ડિસેમ્બર મહિનાથી હિંદુઓની હત્યા વધી રહી છે. 18 ડિસેમ્બરે દીપુ ચન્દ્ર દાસની હત્યા, 25 ડિસેમ્બરે અમૃત મંડલ નામના યુવકની હત્યા, 11 જાન્યુઆરીએ સમીર દાસ નામના યુવકની હત્યા થઈ હતી. હિંદુ સમુદાયને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જે ત્યાંની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર પણ હિંદુઓની રક્ષા કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે.






