મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના 893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થશે. મતોની ગણતરી સવારે 10 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને બપોર પછી મુખ્ય પરિણામો આવવાની ધારણા છે.ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન એટલે કે મહાયુતિ મહરાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં 60થી વધુ બેઠકો પહેલાથી જ બિનહરિફ જીતી ચૂક્યું છે. તેમાં સૌથી વધુ બેઠક 43 ભાજપ જીત્યો હતો. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 19 અને એનસીપીએ 2 બેઠક જીતી હતી. જેને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી પંચે પણ આ મામલે તપાસના આદેશ કર્યા હતા. ચૂંટણીઓમાં સૌથી વધુ ચર્ચા બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની છે, જે દેશની સૌથી ધનિક નગર નિગમ છે અને તેનું બજેટ 74,400 કરોડ રૂપિયાથી વધુ છે. BMCમાં કુલ 227 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર છે. ગુરુવારે આવેલા એક્ઝિટ પોલમાં મહાયુતિ (ભાજપ + એકનાથ શિંદેની શિવસેના) ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.આ ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ મોટા ગઠબંધન વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પ્રથમવાર સાથે મળીને ચૂંટણી લડ્યા હતા.15 જાન્યુઆરીએ યોજાયેલા મતદાનમાં મુંબઈમાં સરેરાશ 41-50% મતદાન નોંધાયું હતું. આ ચૂંટણી 2017 પછી પ્રથમ વખત યોજાઈ રહી છે, કારણ કે 2022માં યોજાનારી ચૂંટણી વોર્ડ સીમાંકન અને અન્ય કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. મુંબઈ ઉપરાંત પુણે, નાગપુર, નાસિક, થાણે, નવી મુંબઈ, પિંપરી-ચિંચવડ અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા મોટા શહેરોના પરિણામો પર પણ સૌની નજર છે.




