ભારતીય શેરબજારમાં આજે ખુલતાની સાથે જ તેજીનો માહોલ જોવા મળ્યો હતો.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગેના સકારાત્મક નિવેદન બાદ બજારમાં મંદી પર બ્રેક લાગી ગઈ. સપ્તાહના ચોથા કારોબારી દિવસે બીએસસી સેન્સેક્સ 800 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે ખુલ્યો, જ્યારે એનએસઈ નિફ્ટીએ પણ તોફાની છલાંગ લગાવી હતી.
શેરબજારમાં આજે તેજી સાથે કારોબારની શરૂઆત થઈ. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરોવાળો સેન્સેક્સ તેના પાછલા બંધ 81,909ની સરખામણીમાં 82,459 પર ખુલ્યો અને જોતજોતામાં 800 પોઈન્ટના ઉછાળા સાથે 82,714ના સ્તરે પહોંચી ગયો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ તેના પાછલા બંધ 25,157ની સરખામણીમાં ખુલતાની સાથે જ 250 પોઈન્ટ ચઢીને 25,412 પર પહોંચી ગયો.તેજી પાછળનું મુખ્ય કારણ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું, પીએમ નરેન્દ્ર મોદી પ્રત્યે મારા મનમાં ખૂબ જ સન્માન છે, તે એક ઉત્તમ વ્યક્તિ અને મારા મિત્ર છે. અમારી વચ્ચે એક શ્રેષ્ઠ ટ્રેડ ડીલ થવા જઈ રહી છે.
ટ્રમ્પના નિવેદન ઉપરાંત, વિદેશી બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોએ પણ બજારને ટેકો આપ્યો. આ પહેલા બુધવારે અમેરિકી શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સ 588 પોઈન્ટ અને S&P 79 પોઈન્ટના વધારા સાથે બંધ થયા હતા. ગુરુવારે એશિયન બજારો પણ ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ લગભગ 1000 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
ટ્રમ્પના નિવેદનની હકારાત્મક અસર એટલી જોરદાર હતી કે બજાર ખુલતાની સાથે જ BSE લાર્જકેપના લગભગ તમામ 30 શેર તેજીમાં જોવા મળ્યા. સૌથી વધુ ઉછળનારા શેરોમાં એસબીઆઇ (2.50%), એશિયન પેઈન્ટ્સ (2.40%), બીઈએલ(2.36%), અદાણી પોર્ટ્સ (2.20%), અને ટાટા સ્ટીલ (1.90%) નો સમાવેશ થાય છે. જ્યરે વારી એનર્જીનો સ્ટોક લગભગ 10% જેટલો ઉછળ્યો હતો.






