અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગઈકાલે(21 જાન્યુઆરી) મોડીરાત્રે કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરીબા ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી. ગોળી વાગવાની ઘટના બનતાં તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવમાં મળતી વિગતો મુજબ દંપતી કાલે જમવા માટે એક સંબંધીના ઘરે ગયા હતા, જમીને ઘરે પરત આવ્યા બાદ આ બનાવ બન્યો હતો. બનાવ સમયે ઘરમાં યશરાજનાં 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતાં. મૃતક ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતાં વર્ગ 2માંથી વર્ગ 1 થયા હતા. મૃતક યશરાજસિંહ પરિવારના એકના એક દીકરા હતા, જેમનું મોત થયું છે. યશરાજસિંહે સાલ કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, NSUIમાં પણ તેઓ કાર્યરત હતા.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગોળી વાગવાની ઘટના બનતાં તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી ત્યારે ફ્લેટ મળતો ન હોવાથી નીચે લેવા માટે પણ ગયા હતા. ઘટના બની ત્યારે તેમનાં માતા પણ ફ્લેટમાં હાજર હતાં. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી છે. જયારે 108 ઈમર્જન્સી સેવાના જણાવ્યા મુજબ રાતે 11:45 વાગ્યા આસપાસ 108માં કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ 108માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતાં તેઓ મૃત હતાં, જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી, જેથી 108 સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
બીજી બાજુ બનાવની જાણ થતાં જ અમિત ચાવડા, મનીષ દોશી સહિતના કોંગ્રેસના નેતાઓ અમદાવાદ સિવિલ પહોંચી ગયા હતા, સાથે જ ભાજપનેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે શક્તિસિંહને મળી સાંત્વના આપી હતી. જયારે ભાજપના નેતા જયરાજસિંહ પરમારે રડતાં રડતાં વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઘટનાની ખબર પડતાં જ તાત્કાલિક આવી ગયો છું. ત્રણ દિવસ પહેલાં જ મને મળ્યા હતા. અગાઉ તેના પિતા પણ કેન્સરમાં મૃત્યુ પામ્યા હતા. ખૂબ દુઃખ થાય છે કે દીકરા સાથે આ રીતની ઘટના બની છે. અત્યારે મારી પાસે બોલવા માટે કોઈ શબ્દો નથી. શક્તિસિંહભાઈના ઘરે જ તેઓ મોટા થયા હતા. મારા મામાના દીકરાનો ભાઈ હતો, જેથી ખૂબ દુઃખ થાય છે. ખુશીથી જીવન પસાર કરતા હતા. અચાનક તેના ભાગ્યમાં કંઈ લખાયું અને આ ઘટના બની છે.બંનેના મૃતદેહને ભાવનગરના લીમડા ગામે લઈ જવાયા છે, જ્યાં દંપતીના મૃતદેહની અંતિમ વિધિ કરાશે તેમ મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે.



