ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને માનવાધિકારના મુદ્દે પશ્ચિમી દેશો દ્વારા લાવવામાં આવેલા નિંદા પ્રસ્તાવનો ભારતે સખત વિરોધ કર્યો છે. ભારત આ વખતે પ્રસ્તાવથી દૂર નથી રહ્યું પરંતુ તેની વિરુદ્ધમાં વોટ આપીને અમેરિકા અને યુરોપિયન યુનિયનને ચોંકાવી દીધા છે.
આ મતદાન પ્રસ્તાવ સંખ્યા A/HRC/S-39/L.1 પર થયું હતું. જેનો હેતુ ઈરાનમાં ડિસેમ્બર 2025થી શરૂ થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો પર ઈરાન સરકારની કાર્યવાહીની નિંદા કરવાનો અને તેની આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવાનો હતો. યુએન હાઈ કમિશનર વોલ્કર તુર્કે આને ‘ક્રૂર દમન’ ગણાવી તપાસની માંગ કરી હતી.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 39મા વિશેષ સત્રમાં થયેલા આ મતદાનના પરિણામોએ વૈશ્વિક સ્તરે સ્પષ્ટ વિભાજન દર્શાવ્યું છે. જેમાં ફ્રાન્સ, જર્મની, જાપાન, યુકે, મેક્સિકો અને દક્ષિણ કોરિયા જેવા 25 પશ્ચિમી અને અન્ય દેશોએ પ્રસ્તાવની પક્ષમાં (YES) વોટ આપ્યો હતો. તેની સામે ભારત, ચીન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, ઇરાક, વિયેતનામ અને ક્યુબા સહિતના 07 દેશોએ પ્રસ્તાવનો સખત વિરોધ કરતા વિરોધમાં (NO) મતદાન કર્યું હતું. જ્યારે બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ જેવા 14 દેશો આ પ્રક્રિયાથી અલિપ્ત રહીને તટસ્થ રહ્યા હતા.સામાન્ય રીતે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર આવા મુદ્દાઓ પર ‘તટસ્થ’ રહેવાની નીતિ અપનાવતું હોય છે, પરંતુ આ વખતે ઈરાનના મુદ્દે સીધો વિરોધ કરવા પાછળ ભારતની મજબૂત રણનીતિ રહેલી છે. ભારતે આ પગલા દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેની વિદેશ નીતિ સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તે પશ્ચિમી દેશોના કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાના રાષ્ટ્રીય હિતોના આધારે નિર્ણય લેશે. ખાસ કરીને ઈરાન સાથેના ભારતના ઐતિહાસિક સંબંધો અને ‘ચાબહાર પોર્ટ’ જેવી વ્યૂહાત્મક પરિયોજનાઓ ભારત માટે અત્યંત મહત્ત્વની છે. ભારત અને ચીન જેવા દેશોનું માનવું છે કે માનવાધિકારના બહાને કોઈ પણ દેશની આંતરિક બાબતોમાં વિદેશી તપાસ કે હસ્તક્ષેપ સ્વીકારી શકાય નહીં. આ મતદાન દરમિયાન આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત, ચીન અને પાકિસ્તાન એક જ પક્ષમાં ઊભેલા જોવા મળ્યા હતા, જે વૈશ્વિક રાજકારણની એક અત્યંત દુર્લભ અને નોંધપાત્ર ઘટના માનવામાં આવે છે.





