અમેરિકાના સંભવિત હુમલાને લઈને ઈરાને પણ તૈયારી શરૂ કરી દીધી છે.ઈરાની સૈન્ય યુદ્ધ માટે સજ્જ થયું છે તો બીજી તરફ ઇરાનના સંરક્ષણ ક્ષેત્રોની સુરક્ષા માટે પણ પગલા લેવામાં આવ્યા છે. ઈરાને તેના બે મુખ્ય પરમાણુ કેન્દ્રો ઈસ્ફહાન અને નતાન્ઝમાં નુકસાનગ્રસ્ત માળખાની ઉપર નવું સ્ટ્રક્ચર ઊભું કરી લીધું છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ બાદ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્લેનેટ લેબ્સ પીબીસી દ્વારા જારી કરવામાં આવેલી નવી સેટેલાઇટ તસવીરોએ વિશ્વભરની સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાવી દીધી છે. આ તસવીરો સૂચવે છે કે ઈરાન તેના પરમાણુ મથકો પર થયેલા હુમલાના પુરાવા છુપાવવા અથવા ગુપ્ત રીતે નવું નિર્માણ કરવા માટે મથી રહ્યું છે.ઈરાનના પરમાણુ મથકો પર જૂન મહિનામાં થયેલા હુમલા બાદ પ્રથમ વખત આટલા મોટા પાયે નિર્માણ કાર્ય જોવા મળ્યું છે. નવા નિર્માણ હેઠળ પ્લાન્ટ્સ પર એવી રીતે છત બનાવવામાં આવી છે કે જેથી સેટેલાઇટ્સ જમીન પર થઈ રહેલી હિલચાલને જોઈ ન શકે. ઈરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના નિરીક્ષકોને પણ પ્રવેશ આપવાની મનાઈ કરી હોવાથી હવે માત્ર રિમોટ મોનિટરિંગ જ દેખરેખનો વિકલ્પ બચ્યો છે.
નિષ્ણાતો માને છે કે ઈરાન હુમલામાં બચી ગયેલા સંવેદનશીલ ઉપકરણો અને યુરેનિયમનો જથ્થો દુનિયાની નજરથી બચાવીને બહાર કાઢવા માટે આ નવી છતનો સહારો લઈ રહ્યું છે.
નતાન્ઝમાં ડિસેમ્બરમાં નવી છતનું કામ પૂરું કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટમાં 60% સુધી યુરેનિયમ સંવર્ધન થતું હતું. અહીં ‘પિકેક્સ માઉન્ટેન’ પાસે સતત ખોદકામ પણ જોવા મળ્યું છે, જ્યાં નવી અંડરગ્રાઉન્ડ ફેસિલિટી બની રહી હોવાની શંકા છે.
બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ પર પણ કામ તેજ કર્યું છે. તેહરાન પાસે આવેલા પારચિન સૈન્ય સંકુલમાં ‘તાલેઘાન-2’ નામના સ્થળને ફરીથી વિકસાવવામાં આવી રહ્યું છે, જે અગાઉ પરમાણુ વિસ્ફોટક પરીક્ષણો સાથે જોડાયેલું હતું. હવે આ સ્થળને હુમલાઓ સામે વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાન પર પરમાણુ સમજૂતી માટે દબાણ કરી રહ્યા છે. અમેરિકાએ સ્થિતિની ગંભીરતા જોતા એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન અને ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર્સને મિડલ ઈસ્ટમાં તૈનાત કરી દીધા છે. જોકે, ઈરાન હજુ પણ એવો જ દાવો કરી રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ છે, પણ પશ્ચિમી દેશો આ દાવા પર શંકા કરી રહ્યા છે.
