અમેરિકાએ ભારતને વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની મંજૂરી આપવાના સંકેતો આપ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની આ પહેલ પાછળનો મુખ્ય હેતુ રશિયા પરની નિર્ભરતા ઘટાડવાનો અને યુક્રેન યુદ્ધ માટે રશિયાને મળતા ભંડોળને રોકવાનો છે. અમેરિકાએ રશિયન તેલ પર લાદેલા ભારે ટેરિફને કારણે ભારત હવે રશિયા પાસેથી તેલની આયાતમાં મોટો ઘટાડો કરવા જઈ રહ્યું છે.જો ભારત અમેરિકાની વાત માને તો તેનો સીધો ફાયદો ટેરિફ ડીલ પર થઈ શકે છે.
યુક્રેન યુદ્ધ બાદ રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર બનેલ ભારત હવે પોતાના આયાત સ્ત્રોતોમાં ફેરફાર કરી રહ્યું છે. જાન્યુઆરીમાં રશિયા પાસેથી તેલની આયાત જે ૧૨ લાખ બેરલ પ્રતિ દિવસ હતી, તે ફેબ્રુઆરીમાં ઘટીને ૧૦ લાખ અને માર્ચમાં ૮ લાખ સુધી નીચે આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં આ આંકડો ૫ થી ૬ લાખ bpd સુધી પણ નીચે જઈ શકે છે. રશિયન તેલ પર અમેરિકાએ લાદેલો ટેરિફ ૫૦% સુધી પહોંચી જતા હવે રશિયાનું તેલ ભારત માટે આર્થિક રીતે સસ્તું રહ્યું નથી.
અમેરિકાની આ નીતિમાં પરિવર્તન પાછળ વેનેઝુએલાની તાજેતરની રાજકીય સ્થિતિ જવાબદાર છે. માર્ચ ૨૦૨૫ માં રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેનેઝુએલાના તેલ પર ૨૫% ટેરિફ લગાવ્યો હતો, પરંતુ જાન્યુઆરીમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અમેરિકી સેના દ્વારા ધરપકડ બાદ વોશિંગ્ટનની નીતિ બદલાઈ છે. હવે અમેરિકા ઈચ્છે છે કે ભારત રશિયાના વિકલ્પે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદે. જોકે, ભારતીય રિફાઈનરોનું માનવું છે કે વેનેઝુએલાના તેલનો મોટો જથ્થો હાલ અમેરિકા તરફ જઈ રહ્યો છે, પરંતુ ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન જેવી રિફાઈનરીઓ વેનેઝુએલાના હાઈ-સલ્ફર ક્રૂડને પ્રોસેસ કરવા સક્ષમ છે.
ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રાણ હરદીપ સિંહ પુરીએ પણ તેલ સ્ત્રોતોમાં વિવિધતા લાવવાના સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારત મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશો પાસેથી ખરીદી વધારી રહ્યું છે. રશિયા પાસેથી આયાત બે વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. આ વ્યૂહાત્મક પગલું માત્ર ભારતની ઉર્જા સુરક્ષા માટે જ નહીં, પરંતુ અમેરિકા સાથેના વ્યાપારિક સંબંધોને મજબૂત કરવા માટે પણ અત્યંત મહત્વનું સાબિત થશે.
