નૅશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દેશભરમાં ધીમે ધીમે રોકડ વ્યવહારો સમાપ્ત કરવાની વિચારણા કરી રહ્યું હોવાથી હવે નેશનલ હાઇવે પર મુસાફરી કરનારા લોકોને ટૂંક સમયમાં ટોલ પ્લાઝા પર સંપૂર્ણપણે ડિજિટલ પેમેન્ટ મોડ પર આધાર રાખવો પડી શકે છે.
હાઇવે ઓથોરિટીએ જણાવ્યું કે, આના અમલીકરણ પછી નેશનલ હાઇવે ફી પ્લાઝા પર તમામ ટોલ પેમેન્ટ માત્ર ફાસ્ટેગ અથવા યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ(યુપીઆઇ)નો ઉપયોગ કરીને ડિજિટલ મોડ દ્વારા કરવાના રહેશે.
ઓથોરિટીએ જણાવ્યું કે, તે ૦૧ એપ્રિલ, ૨૦૨૬થી દેશભરના નેશનલ હાઇવે ફી પ્લાઝા પર રોકડ વ્યવહારો બંધ કરવાની વિચારણા કરી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય સંપૂર્ણપણે ડિજિટલ ટોલિંગ ઇકોસિસ્ટમ બનાવવાનો છે. આ પ્રસ્તાવિત પગલાનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનના ફાયદાઓને મજબૂત કરવાનો અને ફી પ્લાઝા કામગીરીની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા વધારવાનો છે.
એનએચએઆઇના મત મુજબ આ ફેરફારથી લેન થ્રુપુટમાં સુધારો, ટોલ પ્લાઝા પર ભીડ ઘટવી અને ટોલ ટ્રાન્ઝેક્શનમાં વધુ સુસંગતતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરીને અવર-જવરમાં સરળતા વધશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફાસ્ટેગનો ઉપયોગ ૯૮ ટકાનો આંકડો વટાવી ગયો છે. જેના લીધે ટોલ કલેક્શનની પદ્ધતિઓમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
હાલમાં મોટા ભાગના ટોલ વ્યવહારો વાહનો પર લગાવેલા આરએફઆઇડી-ઇનેબલ્ડ ફાસ્ટેગ દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે થાય છે. જેના કારણે પ્લાઝા પર કોઇપણ અડચણ અને સંપર્ક વિના કામગીરી થાય છે. દેશભરના મુસાફરો માટે ઝડપી અને સરળ ડિજિટલ ચુકવણી વિકલ્પો સુનિશ્ચિત કરવા માટે નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર યુપીઆઇ પેમેન્ટની સુવિધા પણ શરૂ કરી દેવામાં આવી છે.



