ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. આ ધમકીના પરિણામે સેંકડો જહાજોની અવરજવર થંભી ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી એક પણ મોટું જહાજ ત્યાંથી નીકળી શક્યું નથી. આમ, આ અત્યંત મહત્ત્વનો દરિયાઈ માર્ગ અત્યારે વ્યવહારિક રીતે સંપૂર્ણપણે બંધ જેવો જોવા મળી રહ્યો છે.હાલમાં ખાડી વિસ્તારમાં ભારતના 22 જહાજો ફસાયેલા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ જહાજોમાં ભારત માટે અત્યંત મહત્ત્વના ગણાતા બે એલપીજી ટેન્કરો, ‘પાઈન ગેસ'(આઇઓસી ) અને ‘જગ વસંત’નો પણ સમાવેશ થાય છે, જે રસોઈ ગેસ લઈને ભારત આવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ મુજબ, આ બંને ટેન્કરો અત્યારે યુએઈના શારજાહ પાસે લંગર નાખીને ઊભા રાખવામાં આવ્યા છે. જોકે, લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, આ જહાજો શનિવારે પોતાની આગળની મુસાફરી શરૂ કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.
વર્તમાન ગંભીર સ્થિતિમાં અમેરિકન પ્રમુખ અને અન્ય વૈશ્વિક નેતાઓ વચ્ચે સતત પરામર્શ ચાલી રહ્યો છે, જેમાં અમેરિકાના સાથી દેશો સાથેના સંબંધો પણ મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે. જોકે, ભારત માટે સૌથી આશાસ્પદ પાસું તેની પોતાની મજબૂત ડિપ્લોમસી છે. ભારત સરકાર આ મામલે અત્યંત સક્રિય છે અને અમેરિકન પ્રમુખ સાથેના સંવાદોની સાથે ઈરાન સાથેના દાયકાઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધો ભારતને આ સંકટમાંથી રાહત અપાવી શકે છે.
પાકિસ્તાનનું એક જહાજ તાજેતરમાં અહીંથી પસાર થયું હતું, જે સૂચવે છે કે ઈરાન પસંદગીના દેશોને રસ્તો આપીને દબાણની વ્યૂહનીતિ અપનાવી રહ્યું છે. જો આ વિવાદ લાંબો ચાલે તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત સર્જાઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. હાલમાં ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આપણા જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળે તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.






