પશ્ચિમ એશિયામાં ઈરાન પર અમેરિકન અને ઈઝરાયલના હુમલા બાદ શરૂ થયેલું ભીષણ યુદ્ધ 25 દિવસ પછી પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ જંગની આગ હવે વિશ્વના અનેક દેશો સુધી પહોંચી ગઈ છે, જેના કારણે વૈશ્વિક ઈંધણ પુરવઠો ખોરવાયો છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના જળમાર્ગો પર પ્રતિબંધો અને અવરોધો આવતા દુનિયાભરમાં તેલ અને ઊર્જાની અછત સર્જાઈ છે. આ સ્થિતિ એટલી ગંભીર બની છે કે અનેક દેશોએ ઈંધણ બચાવવા માટે કડક નિયમો અને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી પડી છે. લોકો માટે આ માહોલ ફરી એકવાર કોરોનાકાળની યાદ અપાવી રહ્યો છે, જ્યાં સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું હતું.
ઈંધણના પુરવઠામાં મોટા પાયે ઘટાડો થતા ફિલિપાઈન્સના પ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે દેશમાં રાષ્ટ્રીય ઊર્જા કટોકટી જાહેર કરી છે. વર્ષ 2020 પછી આ પ્રથમ ઘટના છે જ્યારે દેશે આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હોય. ફિલિપાઈન્સ પાસે હવે માત્ર 45 દિવસનો ઓઇલ ભંડાર બચ્યો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે સરકારી કચેરીઓમાં અઠવાડિયામાં માત્ર ચાર દિવસ કામ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, વીજળી બચાવવા માટે લંચ બ્રેક દરમિયાન કોમ્પ્યુટર બંધ રાખવા અને એસીનું તાપમાન 24°Cથી નીચે ન રાખવા જેવી કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ભારતના પાડોશી દેશોમાં પણ આ યુદ્ધની માઠી અસર જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં તેલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મૂકવામાં આવ્યો છે અને ‘વર્ક ફ્રોમ હોમ’ લાગુ કરાયું છે. બીજી તરફ, બાંગ્લાદેશે તેની તમામ યુનિવર્સિટીઓ બંધ કરી દીધી છે અને ઈંધણનું રેશનિંગ શરૂ કર્યું છે. શ્રીલંકાની હાલત પણ કંઈક આવી જ છે, જ્યાં ઈંધણ બચાવવા માટે રસ્તા પરની લાઈટો, હોર્ડિંગ્સ અને સાઈન બોર્ડ્સની લાઈટો બંધ કરી દેવામાં આવી છે. શ્રીલંકામાં પણ સરકારી સંસ્થાઓમાં એસીનો વપરાશ ઘટાડી દેવાયો છે અને 4 દિવસનું વર્કિંગ વીક જાહેર કરવામાં આવ્યું છે.
વિયેતનામ સરકારે પણ વધતી જતી ઈંધણની અછતને જોતા નાગરિકોને મુસાફરી ટાળવા અને ઘરેથી જ કામ કરવા વિનંતી કરી છે. વાસ્તવમાં, ઈરાને એવી ચેતવણી આપી છે કે તે અમેરિકા અને તેના હિતો સાથે જોડાયેલા જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા દેશે નહીં. વિશ્વના કુલ તેલ વપરાશનો પાંચમો ભાગ આ જ રસ્તેથી પસાર થાય છે, જેના કારણે એશિયાઈ દેશોમાં તેલનો પુરવઠો ખોરવાયો છે. સતત વધતી મોંઘવારી અને ઊર્જા સંકટે હવે આ દેશોની અર્થવ્યવસ્થા પર મોટું જોખમ ઊભું થયું છે.





