પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેમની સામે વિશ્વના અન્ય નેતાઓ વૈશ્વિક રીતે આટલા પ્રસિદ્ધ થયા નથી. અત્યારે એક અમેરિકન સર્વેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. આ સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાથી નોંધપાત્ર રીતે પાછળ રહ્યા છે. આ સર્વેમાં મોદીજીની લોકપ્રિયતા દર 68% સાથે પ્રથમ રહી છે. જો કે, ગત વર્ષની સરખામણીએ તેમાં ઘટાડો નોંધાયો છે. 2025માં પીએમ મોદીની લોકપ્રિયતા 75 ટકા હતી અને જે આ વર્ષે 68 ટકા થઈ ગઈ છે. તેમ છતાં વિશ્વના સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય નેતાઓમાં તેઓ પ્રથમ છે.
અમેરિકન ડેટા એનાલિસ્ટ મોર્નિંગ કન્સલ્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં 10 મુખ્ય દેશોના નેતાઓની તુલના કરવામાં આવી, જેમાં મોદીજીએ 68%ના ભારે સમર્થન સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. આ સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ 39 ટકા રેટિંગ જ મળ્યું છે. આ સર્વેમાં સ્વિટ્ઝર્લૅન્ડના રાષ્ટ્રપતિ ગાય પરમેલિન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ બંને 62 ટકાના મંજૂરી રેટિંગ સાથે બીજા ક્રમે છે.
સર્વેમાં ભારત, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, આર્જેન્ટિના, નાયિજીરિયા, કેનેડા અને ફિલિપાઈન્સ જેવા દેશોના નેતાઓની લોકપ્રિયતાનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેના આંકડા પ્રમાણે પીએમ મોદી અન્ય મુખ્ય વૈશ્વિક નેતાઓના કરતા નોંધપાત્ર રીતે આગળ છે. આ સર્વેમાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરનું અપ્રોવલ રેટિંગ 24 ટકા રહ્યું. આ યાદીને વધુ નીચે જોતાં, ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ સર્વેમાં સૌથી નીચા રેટિંગ ધરાવતા નેતાઓમાંના એક છે. તેમનું અપ્રોવલ રેટિંગ માત્ર 17 ટકા છે.



