ઓપરેશન સિંદૂર અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. આ
પ્રતિક્રિયા કેટલી હદ સુધી પહોંચી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, પાકિસ્તાનના
રક્ષામંત્રીએ છેલ્લા 24 કલાકમાં ભારતને બે કે ત્રણ વખત છુપી ધમકીઓ આપી છે. તેમણે ભારપૂર્વક
જણાવ્યું હતું કે, જો ભારત ફરીથી આવી કાર્યવાહીનો પ્રયાસ કરશે તો તેને ગયા વર્ષ કરતાં પણ વધુ
અપમાનનો સામનો કરવો પડશે.
પાકિસ્તાની ચેનલ સમા ટીવી સાથે ફોન પર વાત કરતા,ખ્વાજા આસિફે કહ્યું, જો ભારત ભવિષ્યમાં
કોઈપણ પ્રકારનો હુમલો કરશે તો પાકિસ્તાન વળતો જવાબ આપશે. આ વખતે માત્ર બોર્ડરથી 200-250
કિમી અંદર જ નહીં સરહદ પાર કરીને મારીશું. બોર્ડર વિસ્તારમાં જ હુમલો કરી દઈશું. અગાઉ પર એક
પોસ્ટમાં ખ્વાજા આસિફે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પહેલા અમારો જવાબ નિર્ણાયક હશે. એવી કોઈ
ગેરસમજ ન હોવી જોઈએ કે, જ્યારે પાકિસ્તાન શાંતિ અને પ્રાદેશિક સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે, ત્યારે તે
દેશનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
તા. 2 એપ્રિલ2026 ગુરુવારે તિરુવનંતપુરમમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન,રક્ષા મંત્રી રાજનાથ
સિંહે પાકિસ્તાનને તે સમયની યાદ અપાવી જ્યારે તેને ઘૂંટણિયે પાડી દેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું
હતું કે, પહેલગામમાં આતંકવાદી ઘટના બાદ,ભારતીય સૈનિકોએ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન માત્ર 22
મિનિટમાં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધુ હતુ. ભારતીય સૈન્યના ઇતિહાસમાં આતંકવાદ સામે આ
અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હતું. આ ઓપરેશન હજુ સુધી પૂર્ણ થયું નથી. જો સરહદ પારથી
કોઈ પણ દુશ્મનાવટભર્યું કૃત્ય થશે, તો તેનો યોગ્ય જવાબ જ નહીં, પરંતુ અભૂતપૂર્વ કાર્યવાહી દ્વારા પણ
જવાબ આપવામાં આવશે. આ વાતથી પાકિસ્તાને પોતાની પ્રતિક્રિયા આપી હતી.



