દેશના અનેક રાજ્યોમાં ફરી એક વખત હવામાન બદલાયું છે. ભારતીય હવામાન વિભાગ
પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે 22 રાજ્યોમાં વરસાદ, ભારે પવન અને કરાની સંભાવના
છે. ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે
ગુજરાતમાં આજે કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ 40 થી 50 કિમી પ્રતિકલાકે પવન ફૂંકાઈ શકે છે
અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં 36 થી 37 ડિગ્રી તાપમાન રહી શકે છે.
હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને
સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે
છે. કચ્છ, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ,ભાવનગર, પાટણ, બનાસકાંઠા, અમરેલી, મહેસાણા,
દાહોદ,વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરતમાં આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, 4
એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સૌથી વધુ રહેશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં
વરસાદની સંભાવના છે. કાશ્મીર ઘાટીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર પ્રદેશ અને
રાજસ્થાનમાં અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ તેમજ ભારે પવન ફૂંકાવાનું
એલર્ટ આપવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં 7 એપ્રિલ સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. કેટલીક
જગ્યાએ કરા પડી શકે છે. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે પવન અને આંધી સાથે
વરસાદનું પૂર્વાનુમાન છે. કેરળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં 3 થી 7 એપ્રિલ વચ્ચે હળવાથી
મધ્યમ વરસાદ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ, મધ્ય અને નવી દિલ્હી માટે આજે ઓરેન્જ એલર્ટ
જ્યારે દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. યુપીમાં આજે
આકરી ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગ મુજબ, આજે લખનઊ અને આસપાસના
વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. આ દરમિયાન 50 થી 60 કિમી પ્રતિ
કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
રાજસ્થાનમાં ઉદયપુર, અજમેર, કોટા, જયપુર, ભરતપુર, શેખાવટીમાં ભારે પવન સાથે વરસાદ અને
ક્યાંક કરાની ચેતવણી આપવામાં આવી છે. 7 એપ્રિલથી વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની
શક્યતા છે. જેનાથી સમગ્ર રાજ્યમાં વરસાદ, વાવાઝોડાની શક્યતા છે.


