ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી CCE કમ્બાઈન્ડ એક્ઝામિનેશન,
ગ્રુપ-A અને ગ્રુપ-B ભરતીની પરીક્ષા પદ્ધતિને લઈ રાજ્યભરના સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોમાં ભારે
રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પરીક્ષા માટે અપનાવવામાં આવેલી કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ
પદ્ધતિ સામે વિદ્યાર્થીઓએ સખત વાંધો ઉઠાવ્યો છે. આ પદ્ધતિમાં રહેલી વિસંગતતાઓ અને મુશ્કેલીઓને
દૂર કરવાની માંગ સાથે સમગ્ર ગુજરાતમાં ઉમેદવારો એકઠા થઈ રહ્યા છે અને આ પદ્ધતિ રદ કરવા
અથવા તેમાં સુધારો કરવા માટે આંદોલન છેડી રહ્યા છે.
વિરોધના આ વંટોળમાં રાજ્યના તમામ મુખ્ય કેન્દ્રો પર આવેદનપત્ર આપવાની પ્રક્રિયા તેજ બની છે.
અમદાવાદમાં કલેકટર અને નિવાસી અધિક કલેકટરને રજૂઆત કરવામાં આવી છે, તો સુરતમાં
કલેકટરની સાથે સાંસદ મુકેશ દલાલને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટના
ઉપલેટા, જામનગર, અને જૂનાગઢમાં પ્રાંત અધિકારીને રજૂઆતો કરાઈ છે, જ્યારે સુરેન્દ્રનગરમાં કલેકટર
ઉપરાંત વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાને પણ વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા ઠાલવી છે.
જામનગર અને ભુજ કલેકટર કચેરીએ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા.ઉત્તર અને મધ્ય
ગુજરાતમાં પણ વિરોધના પડઘા સંભળાયા છે. પાલનપુર, પાટણ, આણંદ, અરવલ્લી અને સાબરકાંઠામાં
જિલ્લા કલેકટર તેમજ નિવાસી અધિક કલેકટરને રજૂઆતો કરવામાં આવી છે. બનાસકાંઠાના વાવ-થરાદ
પંથકમાં અને સાંસદ શોભનાબેન બારૈયા તેમજ તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણને પણ
વિદ્યાર્થીઓએ પત્ર લખી સહકારની માંગ કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, મોટી સંખ્યામાં
વિદ્યાર્થીઓએ ગાંધીનગર સ્થિત ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ રૂબરૂ જઈને પોતાની માંગણીઓ
રજૂ કરી હતી.
મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગૌણ સેવા
પસંદગી મંડળ દ્વારા આયોજિત સીસીઈ (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની
માંગ કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, હાલમાં આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી
લેવાનું આયોજન છે, જેની સામે ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યએ
ઉમેદવારો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને સીબીઆરટી ના બદલે પરંપરાગત એમસીક્યુ
ઓએમઆર (ઓફલાઈન) પદ્ધતિ અમલમાં લાવવા માટે ભલામણ કરી છે.પત્રમાં સીબીઆરટી પદ્ધતિની
ખામીઓ દર્શાવતા ઉલ્લેખ કરાયો છે કે, ભૂતકાળમાં 71 શિફ્ટમાં લેવાયેલી પરીક્ષામાં નોર્મલાઈઝેશન
ફોર્મ્યુલાને કારણે ઉમેદવારોના ગુણમાં 2 થી 37 માર્કસ સુધીનો મોટો તફાવત જોવા મળ્યો હતો, જે
મહેનતુ ઉમેદવારો માટે અન્યાયકર્તા છે. વધુમાં, અગાઉની CBRT પરીક્ષામાં 300 થી વધુ પ્રશ્નોના
જવાબો ખોટા હોવા અને ખાનગી એજન્સીઓની નબળી કામગીરી બાબતે નામદાર હાઈકોર્ટે પણ નોંધ
લીધી હતી, જેના કારણે ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો હતો. તેની સરખામણીએ ઓફલાઈન પદ્ધતિ વધુ
પારદર્શક, ક્ષતિરહિત અને ઝડપી હોવાનું ધારાસભ્યએ પત્રમાં જણાવ્યું
