ભાવનગર,તા.૩
સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્ય વિકાસ, રોજગારી ક્ષમતા વર્ધન તેમજ વ્યવહારુ અંગ્રેજી ભાષા અને સંપ્રેક્ષણ કૌશલ્ય સજ્જતા લાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારના કે.સી.જી. દ્વારા રાજ્યભરની કોલેજો અને ગ્રામ વિદ્યાપીઠોમાં ‘ફિનિશિંગ સ્કુલ પ્રકલ્પ’ અંતર્ગત ૮૦ કલાકનો સઘન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે લોકભારતી, લોકસેવા મહાવિદ્યાલય, સણોસરા ખાતે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી, જાણીતા લોક વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ્ ડા. અરુણભાઈ દવે દ્વારા દીપ પ્રાગટ્ય અને ચાવીરૂપ ઉદ્બોધન સાથે આ પ્રકલ્પનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સઘન તાલીમ કાર્યક્રમ અંતર્ગત ભાવનગરના જાણીતા ટ્રેઈનર ડા. છાયાબેન પારેખ અને સ્મિતભાઈ પારેખ તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહીને આગામી ૨૦ દિવસ સુધી વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ અને રજૂઆત કૌશલ્યોની તાલીમ આપશે.
કાર્યક્રમ દરમિયાન ઉદઘાટકીય પ્રવચન આપતા અરુણભાઇએ આખાય પ્રકલ્પને વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ અને લોકભારતીની કેળવણી સાથે સુસંગત ગણાવ્યો હતો. તેમણે પોતાની સરળ અને લાક્ષણિક શૈલીમાં માર્મિક વાત કરતા કહ્યું કે, “રાંધતા આવડે એ કૌશલ્ય અને પીરસાતા આવડે એ અભિવ્યક્તિ છે.” આ સાથે જ તેમણે લોકભારતીના આદ્ય સ્થાપકોના આવા જ દુરંદેશી વિચારોને પણ સદ્રષ્ટાંત સમજાવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞ ડા. છાયાબેન પારેખે પ્રેરક પ્રસંગ કથાઓ અને પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યું હતું, તેમજ લોકભારતી સંસ્થામાં આ તાલીમ કાર્યક્રમમાં ભાગીદાર થવા બદલ ‘સોનામાં સુગંધ ભળવી’ તેમ કહીને રાજીપો વ્યક્ત કર્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના નિયામક હસમુખભાઈ દેવમુરારિ, લોકસેવા મહાવિદ્યાલયના નિયામક ડા. નીતિનભાઇ ભીંગરાડિયા અને ઇન્ચાર્જ આચાર્ય વિશાલભાઈ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે આભાર દર્શન અંગ્રેજી વિભાગના અધ્યાપક અને આ પ્રકલ્પના સ્થાનિક કોઓર્ડિનેટર ક્રિષ્નાબેન બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું.





