જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં અષાઢી બીજના પાવન અવસરે ભક્તિ, સંસ્કૃતિ અને ભારતીય પરંપરાના રંગોથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આપણા તહેવારોનું મહત્વ, તેમની પાછળ રહેલો ઇતિહાસ તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનો પરિચય કરાવવાનો હતો.
કાર્યક્રમમાં શાળાના મેનેજિંગ ડિરેક્ટર મનહર રાઠોડ અને મિત્તલબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી જગન્નાથજીને દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી, સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયેલ.
આ પ્રસંગે મનહરભાઈએ અષાઢી બીજના પર્વનું આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવતું પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે આપણા તહેવારો માત્ર ઉજવણી માટે નથી, પરંતુ જીવનમાં સંસ્કાર, એકતા, ભક્તિ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવા માટેનું ઉત્તમ માધ્યમ છે.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અષાઢી બીજ અને ભગવાન શ્રી જગન્નાથજીના જીવનપ્રસંગોને આધારીત સુંદર વાર્તાઓ રજૂ કરી હતી. ઉપરાંત, ભક્તિમય નૃત્યો, મધુર ભજનો અને સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા સૌનું મન મોહી લીધું હતું. વિદ્યાર્થીઓની આત્મવિશ્વાસપૂર્ણ રજૂઆતોને ઉપસ્થિત સૌએ હર્ષભેર વધાવી લીધી હતી.કાર્યક્રમના અંતે સૌએ મળીને ભગવાન શ્રી જગન્નાથજીની આરતી કરી અને સમગ્ર વાતાવરણ ભક્તિરસથી છલકાઈ ઉઠ્યું. આરતી બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. જ્ઞાનગુરુ વિદ્યાપીઠ દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર, પોતાના તહેવારો પ્રત્યે ગૌરવની ભાવના તથા ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને સમજવાની પ્રેરણા આપતો સાબિત થયો. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ નૈતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું પણ સુંદર સિંચન થાય છે.





