ભારતનો ઉદય તે કેટલો શક્તિશાળી બને છે તેનાથી નહીં, પરંતુ તે એકતાપૂર્ણ માનવતામાં કેટલું યોગદાન આપે છે તેના પરથી માપવો જોઈએ. કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય સમુદાયને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે સેવા, વિવિધતા અને વૈશ્વિક બંધુત્વના ભારતીય સંસ્કૃતિના વિચાર પર પ્રકાશ પાડ્યો હતો. ‘હિન્દુ વિશ્વ બંધુ – એમ્બ્રેસ ધ વર્લ્ડ ઇન ફ્રેન્ડશિપ’ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ‘જો હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે.’ ભારતના ‘ડીએનએ’નો ઉલ્લેખ કરતા તેમણે અન્ય લોકો તરફ મદદનો હાથ લંબાવવાની ભારતની સનાતન પરંપરા પર ભાર મૂક્યો હતો.
RSSના વડા મોહન ભાગવતે વધુમાં જણાવ્યું કે, ‘ભારતના અભ્યુદયનો અર્થ વધુ સંગઠિત અને મુક્ત માનવતા છે. ભારતને એક સમયે મહાસત્તા કહી શકાતું હતું, પરંતુ તેણે ક્યારેય તેવો દાવો કર્યો નથી. ભારતે હંમેશાં વિશ્વની સેવા કરી છે અને પોતાના ઉચ્ચ ચરિત્રને કારણે તે ‘વિશ્વગુરુ’ બન્યું છે, શાસક મહાસત્તા નહીં.’વિવિધતાને ભારતની એકતાનો અવિભાજ્ય અંગ ગણાવતા તેમણે કહ્યું કે, ‘ભારતમાં ભિન્નતાને અવરોધ તરીકે જોવામાં આવતી નથી. ભારતની પરંપરા લોકોને વિવિધતામાં એકતાના દર્શન શીખવે છે અને વિવિધતા પોતે જ એકતાનું એક સ્વરૂપ છે.’
આ વિચારને “વસુધૈવ કુટુંબકમ્” સાથે જોડતા RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે, ‘આખું વિશ્વ એક પરિવાર છે. આ સિદ્ધાંત હેઠળ લોકોએ બાહ્ય ભેદભાવોથી પર થઈને સાર્વત્રિક માનવતાને ઓળખવી જોઈએ.’સંઘના વડા મોહન ભાગવતે ઉમેર્યું કે, ‘સેવાની ભાવના ભારતના ચરિત્રમાં ઊંડે સુધી વણાયેલી છે. ભારતે ક્યારેય વિશ્વમાં ક્યાંય પણ મદદ કરવાનો ઇનકાર કર્યો નથી અને વિનંતી વગર પણ સહાયનો હાથ લંબાવ્યો છે. ભારતના પૂર્વજોનો ઉદ્દેશ્ય રાજકીય નિયંત્રણ સ્થાપિત કરવાનો નહોતો, પરંતુ જ્ઞાન વહેંચવાનો હતો.ટોરોન્ટોમાં યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન ‘કેનેડિયન હિન્દુઝ ફોર આઉટરીચ, રિલેશન્સ એન્ડ ડાયલોગ’ (CHORD) દ્વારા કરવામાં આવ્યું હતું. કેનેડાના પૂર્વ સંરક્ષણ મંત્રી અને આલ્બર્ટાના પૂર્વ પ્રીમિયર જેસન કેનીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે કેનેડા-ભારત સંબંધોમાં નવી ગતિશીલતાનું સ્વાગત કર્યું હતું.




