રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ‘ગુજરાત ભાડા વિધેયક-2026’ના વિરોધમાં ગુજરાતભરના વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિધેયક અંગે સતત ત્રણ દિવસ સુધી વિરોધ પ્રદર્શન કર્યા બાદ પણ કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા રાજ્યના વકીલોએ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના બોર્ડની બેઠકમાં સમગ્ર રાજ્યના વકીલ મંડળોને કોર્ટની કામગીરીથી અળગા રહી સ્વૈચ્છિક હડતાળ પર જવા આહવાન કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજ્યના આશરે 182 વકીલ મંડળોની આગેવાની હેઠળ વિવિધ કોર્ટ પરિસરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
વિધેયકના વિરોધમાં આજે અમદાવાદમાં વકીલો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીની શરૂઆત ભદ્ર સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટથી થશે. ત્યારબાદ રેલી મેટ્રો કોર્ટ પહોંચશે, જ્યાં અન્ય વકીલો પણ રેલીમાં જોડાશે. મેટ્રો કોર્ટથી રેલી ઇન્કમટેક્સ ગ્રામ્ય કોર્ટ તરફ આગળ વધશે અને અંતે ગાંધીજીની પ્રતિમા ખાતે તેનું સમાપન કરવામાં આવશે. રેલી દરમિયાન વકીલો નવા ભાડા વિધેયકને પરત ખેંચવા તેમજ જૂનો કાયદો યથાવત રાખવાની માંગ સાથે વિરોધ નોંધાવશે.






