અમદાવાદ શહેરના ચર્ચિત ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે બેફામ ઝડપે દોડતી સ્વિફ્ટ ડિઝાયર કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. પકવાન ચાર રસ્તા તરફથી પૂરઝડપે આવી રહેલી સ્વિફ્ટ ડિઝાયર (GJ38 BC 1018)ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ચક્કર ખાઈ સર્વિસ રોડ પર પડેલી ત્રણ કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
મળતી માહિતી મુજબ, અકસ્માત સર્જનાર સ્વિફ્ટ કાર અમરાઈવાડી વિસ્તારના રહેવાસી હિમાંશુ ચલાવી રહ્યો હતો. તે પોતાના મિત્ર પાસેથી કાર લઈને નીકળ્યો હતો અને કારમાં કુલ છ લોકો સવાર હતા. પકવાન ચાર રસ્તા તરફથી ઇસ્કોન બ્રિજ તરફ આવી રહ્યા હતા ત્યારે અચાનક ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો.કાર બેકાબૂ બન્યા બાદ પહેલા સર્વિસ રોડ પર ઉભેલી એક ઇનોવા કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે ઇનોવા આગળ ઉભેલી i20 કાર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ રિવર્સ થઈને નજીકમાં ઉભેલી BMW કાર સાથે પણ અથડાઈ હતી.





