પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ યુસીસીને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, રાજ્યમાં ઉત્તરાખંડ અને ગુજરાતની જેમ માત્ર છ મહિનામાં જ યુસીસી લાગુ કરી દેવામાં આવશે. કોલકાતામાં વિશ્વ હિંદુ પરિષદના એક કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રધાન દ્વારા યુસીસીને લઈને એલાન કરવામાં આવ્યું છે. સીએમએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઉત્તરાખંડ અને ગુજરાત બાદ પંશ્ચિમ બંગાળ ત્રીજુ રાજ્ય હશે જે યુસીસી લાગુ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ દરમિયાન અન્ય પણ મહત્વપૂર્ણ વાત સીએમ દ્વારા કરવામાં આવી છે.
લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માતરણ સામે કાયદો આવશે
સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, યુસીસી સાથે રાજ્યમાં લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માતરણ સામે પણ કાયદો બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. વધુમાં કહ્યું કે, ભાજપ સરકાર બંધારણ પ્રમાણે જ કામ કરશે, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને મઠ-મંદિરો પર હુમલા અમે ક્યારેય સહન કરીશું નહીં! અમારી સરકાર પશ્ચિમ બંગાળમાં કોઈ પણ પ્રકારની દેશ વિરોધી પ્રવૃત્તિઓને પરવાનગી આપશે નહીં. લોકો સાથે મળીને રહે, એક થઈને રહે અને વિરોધી તાકાતોથી સંપૂર્ણ રીતે સાવધાન રહે!
આ કાર્યક્રમ દરમિયાન વીએચપીએ પણ મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીની બંગાળમાં યુસીસી લાગુ કરવાની વાતને સમર્થન આપ્યું છે. વીએચપીનું કહેવું છે કે, યુસીસી લાગુ થવાથી દરેક નાગરિકને સમાન અધિકાર મળશે અને તેનો સૌથી વધારે ફાયદો મુસ્લિમ મહિલાઓને થવાનો છે. ભારતના કેટલાક રાજ્યોમાં યુસીસી લાગુ કરી દેવામાં આવ્યો છે. જો કે, આ કાયદાનો લઈને વિપક્ષી પાર્ટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.




