કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સ (અપ્રત્યાશિત કર)માં મોટો ફેરફાર કર્યો છે. 16 ઓક્ટોબર 2026થી અમલમાં આવેલી નવી દરો મુજબ, સરકાર દ્વારા પેટ્રોલના નિકાસ પરનો ટેક્સ વધારીને 2.50 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે, જ્યારે ડીઝલના નિકાસ પરના ટેક્સમાં 7.50 રૂપિયા પ્રતિ લીટરનો મોટો ઘટાડો કરીને તેને 16 રૂપિયાથી ઘટાડીને 8.50 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે. જો કે, એવિએશન ટર્બાઈન ફ્યુઅલના નિકાસ શુલ્કમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સરકારના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોના મનમાં સવાલ થાય કે શું દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે? તો સ્પષ્ટતા એ છે કે આ ફેરફાર માત્ર ‘નિકાસ’ પર લાગુ થાય છે, તેથી દેશમાં ઘરેલુ વપરાશ માટે મળતા પેટ્રોલ-ડીઝલની કિંમતો પર તેની કોઈ સીધી અસર પડશે નહીં. દિલ્હી સહિત દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવ યથાવત રહ્યા છે. ભારતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સરકારી નિયંત્રણ હેઠળ ઈંધણના ભાવ નક્કી થતા હોય છે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવના ઉતાર-ચઢાવ પર નજર રાખવા માટે સરકાર દર 15 દિવસે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરતી હોય છે. ભારતમાં જુલાઈ 2022માં પ્રથમવાર ફ્યુઅલ એક્સપોર્ટ પર આ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો, અને તાજેતરમાં માર્ચ 2026માં મધ્ય પૂર્વના તણાવ અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળાને કારણે તેને ફરીથી અમલમાં મૂકવામાં આવ્યો છે.






