મોદી એ મોદી છે, તેના જેવું બીજું કોઈ હોય ન શકે. આવી વાત કરીએ ત્યારે ઘણા ખરાને મોદીભક્તિ લાગશે પરંતુ વાત ભક્તિની નહીં લોજીકની છે. ૨૯મીએ ભાવનગર આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે લોકો સામે પ્રસ્તુત થયા, પ્રવચન આપ્યું, જે રીતે લોકોને મળ્યા તે જાેઈએ ત્યારે લાગે કે આ વ્યક્તિમાં કંઈક અલગ વાત છે. ભારતને મળેલા નેતાઓમાં આ નરેન્દ્ર મોદી કંઈક વિશેષ છે.
નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનાર આ વડાપ્રધાન જાપાન જઈને આવ્યા બાદ તુરંત ગુજરાતના પ્રવાસે અને સવારે સુરત અને ત્યાંથી તુરંત ભાવનગર આવી પહોંચે. ન તો તેના ચહેરા પર કોઈ થાક ન કોઈ કંટાળો કે ન વ્યસ્તતાનો ભાર. ૭૨ વર્ષનો નાયક જે ઉર્જાથી ચાલતો હોય જે આત્મીયતાથી કાર્યકરોને મળતો હોય તે જાેઈએ ત્યારે થાય આ મોદી છે અને એટલે તે વૈશ્વિક નેતા છે. ભાવનગરમાં તેઓ લાંબા સમય બાદ આવ્યા આ વાત તે સામાન્ય રીતે પણ કહી શકે પરંતુ હું ભાવનગરની ક્ષમા માગું છું આવું કહી એક નેતા લોકોની સાથે આત્મીયતાનો તાર જાેડી દે આ વર્તમાનના કે નજીકના ભૂતકાળના કોઈ નેતાઓમાં જાેઈ શકાય છે ખરું? સુરતની સભામાં સુરતના જમણની વાત મૂકે તો ભાવનગરના લોકો સામે ગાંઠિયા અને પેંડાની વાત મૂકે….. આવા નેતાને લોક નાયક બનતા કોણ અટકાવી શકે ?
તાર્કિક રીતે જાેઈએ તો આ બધી જ બાબતો લોકો સુધી પોતાની વાત પહોંચાડવાની ટેકનીક કહી શકાય તો પણ આવું અન્ય કોઈ નેતાના પ્રવચનમાં સાંભળવા મળે છે ખરું ? ગુજરાતીથી ભાષણની શરૂઆત, મુખ્ય વાત હિન્દીમાં અને ફરી ગુજરાતી ભાષામાં જ ભાષણને પૂર્ણ કરવું આ પણ મોદી જ કરી શકે તો સુરત હોય ભાવનગર હોય કે અમદાવાદ એક પણ સ્થળે કોઈ સ્ક્રિપ્ટ હાથમાં લઇ પ્રવચન નહીં પરંતુ જાણે કે પોતાના હૃદયની વાત જ કરતા હોય તે રીતે પ્રસ્તુત થવું તે આ વિશ્વ નેતાની લાક્ષણિકતા સહુ કોઈને સ્પર્શી જાય છે. ભાવનગર જિલ્લાના ગારીયાધારનો ઉલ્લેખ હોય કે રાજ્યના કોઈપણ ખૂણાના નાના ગામડાની પણ વાત પ્રવચનમાં કરવાની હોય તો પણ આ વડાપ્રધાન બહુ સહજ રીતે કરી શકે તે મોદીમાં જ શક્ય છે. આવું કોઈ રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રીઓ માટે પણ અઘરું હોય છે અને દેશના વડાપ્રધાન દેશના કોઈપણ ખૂણે જઈ વાત કરે ત્યારે સહજ રીતે ઉલ્લેખ અને સંદર્ભ મૂકે એટલે જ મોદી તે મોદી છે.
એક નોંધનીય બાબત એ પણ છે કે, હજારો કરોડના વિકાસકામોની વાત કરી પરંતુ આંકડાઓ રજૂ કરવામાં મોદીએ સજગતા દાખવી જે ઊડીને આંખે વળગે તેવું હતું. કેટલા કરોડનું કામ થશે તેના બદલે કેટલા લોકો સુધી લાભ પહોંચશે, શું કામ થશે…. તે રીતે વાત મૂકી નરેન્દ્ર મોદીએ રાહ જાેઈને બેઠેલા કેટલાયની આશાઓ પર પાણી ફેરવી દીધું. એકાદ આંકડો પણ ખોટો બોલાય અને મુદ્દો મળી જાય તેવી ઘણાની ઈચ્છા મનની મનમાં રહી ગઈ. જાે કે, ભાવનગરમાં તેમણે આ ન કહ્યું અને આ રહી ગયું તેવી વાતો ચાલી છે તો રોડ શોમાં બંધ કારમાં જ રહી અભિવાદન ઝીલ્યું જેને કારણે લોકો નારાજ થયા તે પણ વાત છે પરંતુ આમ છતાં મોદી આવ્યા અને છવાઈ ગયા તેમાં કોઈ ના પાડી શકે નહીં. ઉપર જણાવ્યા તે કારણોસર મોદી કે મોદી છે, તેના જેવું હાલ દુર દુર સુધી બીજું કોઈ નથી. વાત વૈશ્વિક નેતા તરીકેની પ્રતિભાની છે, વિરાટ વ્યક્તિત્વની છે, ભારતની ગરિમાને છાજે તેવા લોક નાયક તરીકેની છે ત્યારે જાે આ કારણો અને નજર સામેનું તથ્ય પણ દેખાતુ હોય તો સહુને સહુની સમજ મુબારક.
– જયેશ દવે