ભાવનગરના વિજયરાજનગર વિસ્તારમાં રહેતા યુવાનના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ પાંચ જેટલા પ્લોટમાં એક શખ્સે કાચું બાંધકામ અને પતરા બાંધી પચાવી પાડેલ હોય પ્લોટ માલિક દ્વારા તેની વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ ભાવનગરના વિજયરાજનગર, પ્લોટ નં.૨૮ માં રહેતા અને જમીન લે-વેચનો વ્યવસાય કરતા અર્ચિતભાઈ તુલસીભાઈ પટેલે નીલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેમણે નરેન્દ્રસિંહ જીલુભા ગોહિલ પાસેથી કાળીયાબીડ વિસ્તારમાં મોજે વડવા સર્વે નંબર ૪૭૧/ ૧,૨,૩ ના પ્લોટ નંબર ૫૮૩૭થી ૫૮૪૧ ના ખાલી પ્લોટ ખરીદેલો હોય અને નરેન્દ્રસિંહ જીલુભા ગોહિલ દ્વારા દસ્તાવેજ પણ કરી આપવામાં આવેલ હતો.
આ પાંચ ખુલ્લા પ્લોટ પર છેલ્લા સાત વર્ષથી જેઠાભાઈ મેપાભાઇ ચાવડાએ કાચું બાંધકામ કરી, છાપરા બાંધી પચાવી પાડેલ હોય પ્લોટ ખાલી કરવા બાબતે અર્ચિતભાઈ દ્વારા વારંવાર કહેવા છતા જેઠાભાઇ દ્વારા આ પ્લોટનો કબજાે જાળવી રાખેલ છે.
નિલમબાગ પોલીસે અર્ચિતભાઈની ફરિયાદ લઈ જેઠાભાઈ મેપાભાઇ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.