સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથો સાથ છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે ગત રાત્રિના ભાવનગર શહેરમાં શિયાળાની સિઝનનુ સૌથી ઓછું ૧૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ તાપમાનનો પારો ૧૭ થી ૧૦ ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યો છે જ્યારે નલિયા, કચ્છ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમરેલીમાં તાપમાનનો પારો સિંગલ ડિઝીટ સુધી પહોંચવાની તૈયારીમાં છે.
હિમાલય સહિત ઉત્તર ભારત અને કાશ્મીરમાં શરૂ થયેલી બરફ વર્ષાના કારણે સમગ્ર દેશમાં ટાઢા બોળ પવન સાથે ઠંડીની લહેર શરૂ થવા પામી છે જેના કારણે છેલ્લા ચારેક દિવસથી સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધતો જાય છે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે જેના કારણે ગત રાત્રિના ભાવનગરનું તાપમાન શિયાળાની સિઝનનું સૌથી ઓછું ૧૪.૮ ડિગ્રી નોંધાયુ હતુ જેથી લોકોએ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠંડી શરૂ થતાની સાથે જ રાત્રિના સમયે રસ્તાઓ પર લોકોની અવર-જવર ઘટવા લાગી છે અને કારણ વિના લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
દિવસ દરમિયાન પણ લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈ બહાર નીકળતા જાેવા મળી રહ્યા છે. શહેરના ગંગાજળિયા તળાવ તેમજ જવાહર મેદાન ખાતે ગરમ વસ્ત્રો વેચતા સ્ટોલમાં લોકોની ભીડ થવા લાગી છે અને ગરમ વસ્ત્રોની ખરીદી લોકો કરવા લાગ્યા છે જેના કારણે તિબેટીઓનો પણ ખુશ થઈ રહ્યા છે. રાત્રીના સમયે ઠંડીથી બચવા કેટલાક લોકો તાપણીનો પણ સહારો લઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ૩.૪ ડિગ્રી ઘટીને ૧૪.૮ ડિગ્રી થઈ જવા પામ્યો છે. ભાવનગર ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય શહેરો જેવાકે નલીયા, ભૂજ, સુરેન્દ્રનગર, અમરેલી, ગાંધીનગર સહિત શહેરોમાં પણ તાપમાનનો પારો સિંગલ ડિજિટ સુધી પહોંચવાની તૈયારીમાં છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં તો તાપમાનનો પારો ખૂબ જ નીચે જઈ રહ્યો છે અને હાડ થીજાવતી ઠંડી પડી રહી છે જ્યારે આબુમાં તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી સુધી પહોંચવા જઈ રહ્યો છે. કડકડતી ઠંડીના કારણે સવારની શાળાના બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય સવારની શાળાનો સમય મોડો કરવા વાલીઓની માંગ ઉઠવા પામી છે. હજુ ઠંડીનો ચમકારો જળવાઈ રહેશે તેમ લાગી રહ્યું છે.
ગરમ વસ્ત્રોની બજારમાં તડાકો
સમગ્ર સૌરાષ્ટ્ર ભરની સાથોસાથ ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીનું પ્રમાણ વધવા પામ્યુ છે. ભાવનગર શહેરમાં સીઝનમાં પ્રથમ વખત રાત્રિના તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે જઈ ૧૪.૮ ડિગ્રી થવા પામ્યો છે અને લોકો કરકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે અને ગરમ વસ્ત્રો ધારણ કરવા પ્રેરિત થયા છે ત્યારે ભાવનગર શહેરની ગરમ વસ્ત્રોનુ વેચાણ કરતી બજારોમાં ગીર્દી થવા પામે છે અને લોકો ગરમ વસ્ત્રોની ખરીદી કરવા લાગ્યા છે.