ભાવનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય અને તેજસ્વી નેતા સુનીલભાઇ ઓઝાને ભાજપે હવે બિહારના સહ પ્રભારીની જવાબદારી સોંપી છે. ઉલ્લેખનીય છે કે, તેઓ ઉત્તરપ્રદેશના સહપ્રભારી તરીકે કાર્યરત હતાં. બિહારની રાજકીય Âસ્થતિને ધ્યાને લઇ સુનીલભાઇને સોંપાયેલી આ જવાબદારી ખુબ જ મહત્વપૂર્ણ હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અત્યંત વિશ્વાસુ અને નજીકના ગણાતા સુનીલભાઇ ઓઝા ઉત્તરપ્રદેશમાં પરિણામલક્ષી કામગીરી કરી ચુક્યા છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા (જે.પી. નડ્ડા) દ્વારા આજે બિહાર પ્રદેશ ભાજપના સહ પ્રભારી પદે સુનીલભાઇ ઓઝાની નિમણૂંક જાહેર કરાઇ હતી. જેને લઇને સુનીલભાઇ ઓઝા પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. ભાવનગરમાં દક્ષિણ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા સુનીલભાઇ છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરપ્રદેશમાં સ્થાઇ થયા છે અને રાજકીય રીતે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે હવે તેઓ બિહારમાં પણ સહપ્રભારી તરીકે ભાજપ માટે કામગીરી કરશે.