મહારાષ્ટ્રમાં સંભાજીનગરમાં બે સમુદાયો વચ્ચે હિંસાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, કિરાડપુરા સ્થિત રામ મંદિરની બહાર રાત્રિના 12.30 કલાકે બે યુવકો વચ્ચે નાની માથાકૂટ થઈ હતી. જે બાદમાં કેટલાક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ પછી પથ્થરમારો શરૂ થયો અને બદમાશોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. ઘટનાને લઈ સ્થળ પર પહોંચેલી પોલીસે સ્થિતિ થાળે પાળવાનો પ્રયાસ કરતાં બદમાશોએ પોલીસના વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.
મહારાષ્ટ્રમાં સંભાજીનગરના કિરાડપુરામાં બે સમુદાયો વચ્ચે જુથ અથડામણની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મોડી રાત્રે બનેલી ઘટના પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે અને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે કિરાડપુરા વિસ્તારમાં ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે.