ચાર વર્ષ બાદ હવે IPL 2023 સિઝનની ઓપનિંગ સેરેમનીનું આયોજન થવા જઈ રહ્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લા ચાર વર્ષથી ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું નહોતુ. જેના કારણે આ વખતે 16મી સિઝનનું ભવ્ય ઓપનિંગ બની રહેશે. આ કાર્યક્રમમાં અનેક કલાકારો પોતાની હાજરી નોંધાવશે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અવાજના જાદુગર અરિજીત સિંહ આ સમારોહમાં પરફોર્મ કરશે અને આકર્ષણ વધારવાનું કામ કરશે. જો કે, અરિજિત સિંહે આ માટે પોતાની સંમતિ આપી છે કે નહીં, તે હજુ સુધી કન્ફર્મ કરવામાં આવ્યું નથી.
આ વખતે સાઉથની અભિનેત્રીઓ તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્ના પણ પરફોર્મ કરીને આઈપીએલની ઓપનિંગ સેરેમનીને યાદગાર બનાવી દેશે. સિઝનની પ્રથમ મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ઉદઘાટન સમારોહ 31 માર્ચે સાંજે 6 વાગ્યે શરૂ થશે. પ્રથમ મેચ 7:30 વાગ્યે શરૂ થવાની છે. આઈપીએલનું હોમ એન્ડ અવે ફોર્મેટ 2019 પછી પ્રથમ વખત પરત ફરી રહ્યું છે. આ વખતે કુલ 12 ગ્રાઉન્ડમાં 10 ટીમો વચ્ચે મેચો રમાવાની છે. લખનૌ સુપર જાયન્ટ્સનું હોમ ગ્રાઉન્ડ લખનૌનું એકાના સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. 2017 પછી પહેલીવાર IPLની મેચો ઉત્તર પ્રદેશમાં રમાશે. 2016 અને 2017માં ગુજરાત લાયન્સે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં 2-2 મેચ રમી હતી.