ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. ભેજાબાજ આરોપીઓ નિતનવા પેતરા રચી લોકોને છેતરી રહ્યા છે. જે અંગેના ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેવામાં મની ફોર લાઇકના કૌભાંડથી ઓળખાતો એક નવો જ કિસ્સો સામે આવ્યો છે. જેની પદ્ધતિ કોઈ નવી નથી પરંતુ આ પ્રકારનો કિસ્સો નવો ગણી શકાય છે. એક લાઈક કરો અને કમાવો રૂપિયાની લાલચમાં પુણેના આર્મીમેન છેતરાયા હોવાનું સામે આવ્યું છે. જેમની સાથે 1.1 કરોડની છેતરપીંડી થઈ છે.
65 વર્ષના રિટાયર્ડ આર્મી મેને એફઆઇઆર દાખલ કરાવી જણાવ્યું કે, એક મહિલાએ વૃદ્ધનો ટેક્સ મેસેજ મારફતે સંપર્ક કર્યો હતો અને જેમાં તેમણે પાર્ટ ટાઈમ એમ્પ્લોયમેન્ટના નામે ઓળખ અપાવી હતી. બાદમાં મહિલાએ ખાતરી આપી હતી કે તે પોતે થાઈલેન્ડથી છે અને યુટ્યુબ વીડિયોના એક લાઇક પર તેને 50 રૂપિયા આપશે. એટલું જ નહીં શરૂઆતમાં એક લાઇકસ કરી અને તેને સ્ક્રીનશોટ આપ્યા બાદ તેને શરૂઆતમાં 150 રૂપિયા પણ આપ્યા હતા. બાદમાં પોતાના મેસેન્જર ગ્રુપમાં જોડી દીધા હતા અને એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ગ્રુપમાં પણ એડ કરી દીધા હતા. પ્રથમ ટાસ્ક ના નામે ₹1,000ને બદલે 1480 આપી અને 3000 રૂપિયા ને બદલે 4000 રૂપિયા આપ્યા હતા. આમ કરી અને ભરોસો જીતી લીધો હતો. બાદમાં વૃદ્ધને વીઆઈપી ગ્રુપમાં એડ કરી દીધા હતા અને જેમાં સૌથી વધુ વળતર અને લાભની લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ વૃદ્ધ ઠગબાજની જાળમાં ફસાઈ ગયા હતા અને તેમણે એક કરોડનું ટ્રાન્ઝેક્શન કરી લેતા આરોપીઓએ છેતરપીંડી આચરી હતી.