મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંભાજી નગરમાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું. ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને રામ નવમી પર હિંસા કર્યાના ત્રીજા દિવસે રવિવારે મહા વિકાસ અઘાડીએ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં અનેક આગેવાનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે, જો તમારામાં હિમ્મત હોય તો મહારાષ્ટ્રમાં મારા પિતા બાળ ઠાકરેના નામે નહિ નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડો.
તેમણે કહ્યું કે, જો પીએમ મોદીને કંઇક કહેવામાં આવે તો ઓબીસીનું અપમાન થાય છે. પીએમે કહ્યું કે, તેમની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો અમારું શું? વિપક્ષી નેતાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે, દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ધરપકડ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપે વિરોધ પક્ષોના ભ્રષ્ટ લોકોને પોતાની પાર્ટીમાં લીધા છે. ઠાકરેએ વડાપ્રધાન મોદી અને ભાજપને સાવરકરના “અખંડ ભારત”ના સ્વપ્નને સાકાર કરવાનો પડકાર ફેંક્યો અને મોદીની શૈક્ષણિક ડિગ્રીના મુદ્દા પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, સાવરકરે દેશની આઝાદી માટે આકરી કારાવાસ અને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. નહિ કે અને મોદીને વડાપ્રધાન બનાવવા માટે. શું તમે સાવરકરનું ‘અખંડ ભારત’નું સપનું પૂરું કરશો?”
ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કહ્યું કે, તેને ભારતીય જનતા પાર્ટી કહેવી એ ભારતના લોકોનું અપમાન છે. તેઓ વિપક્ષી નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપો સાથે હુમલો કરે છે અને તેમને તેમની પાર્ટીમાં સામેલ કરે છે. તેથી જ તમામ ભ્રષ્ટ નેતાઓ હવે ભાજપમાં છે.