મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં તોફાની પવન અને વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો હઓવાનું સામે આવ્યું છે અકોલા જિલ્લાના બાલાપુર તાલુકાના પારસ વિસ્તારમાં આવેલા બાબુજી મહારાજ મંદિર પરિસરના શેડ પર લીમડાનું ઝાડ પડ્યું હતું. જેના કારણે શેડ ધરાશાયી થયો હતો. આ પછી શેડમાં હાજર 7 લોકોના મોત થયા હતા. આ તરફ 33 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
વરસાદ અને વાવાઝોડા દરમિયાન શેડ નીચે કુલ 30 થી 40 લોકો હાજર હતા. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાકીના ત્રણ મોત હોસ્પિટલમાં થયા છે. આ તરફ ઘાયલોને અકોલા મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે. દુર્ઘટનાની માહિતી મળ્યા પછી ટીમ બચાવ કાર્ય માટે સ્થળ પર પહોંચી ગઈ અને કાટમાળ હટાવવા માટે જેસીબી પણ બોલાવવામાં આવી હતી.
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનામાં શ્રદ્ધાળુઓના મોત પર ઊંડી શોક વ્યક્ત કર્યો હતો. ફડણવીસે ટ્વીટ કરીને લખ્યું, ‘આ ઘટના દુઃખદાયક છે. હું તેમને મારા નમ્ર આદર વ્યક્ત કરું છું. ડેપ્યુટી CM ફડણવીસે કહ્યું કે, કલેક્ટર અને પોલીસ અધિક્ષકે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ઘાયલોને સમયસર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ફડણવીસે ટ્વીટ કર્યું કે, કેટલાક ઘાયલોને જિલ્લા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને નાની ઈજાઓને બાલાપુરમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું, ‘CM એકનાથ શિંદેએ મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે.’






