કિડનીના દર્દીઓ તથા જીવ દયા, પર્યાવરણ જતન સહિતના કામ કરતા સર્વમિત્ર (કે આર દોશી ટ્રસ્ટ) દ્વારા કીડની દર્દીઓના લાભાર્થે જાણીતા કલાકાર ડૉ. જગદીશ ત્રિવેદીનો ‘હાસ્યનું દયાલીસીસ’ કાર્યક્રમ નવમી એપ્રિલે હાઉસપેક ઓડિયન્સ, તબીબો, શ્રેષ્ઠીઓ, અગ્રણીઓની ઉપસ્થિતિમાં મેઘાણી ઓડીટરિયમ ભાવનગર ખાતે યોજાઇ ગયો.

દર્દીઓની સહાય માટે યોજાયેલ આ ચેરીટી શોની વિશેષતા એ હતી કે ઉપસ્થિત સહુએ પોતાનું યોગદાન આપ્યું જ હતું સાથે ડૉ. જગદીશ ત્રિવેદી કે જે કાર્યક્રમનો તમામ પુરસ્કાર શિક્ષણ અને આરોગ્ય માટે આપી દેતા હોય છે તેમણે પણ એક લાખનો ચેક આ સંસ્થાને સેવા પ્રવૃત્તિ માટે આપી દીધો હતો. આ પ્રસંગે ભાવનગરના ભામાશાઓ, રાજવી જેવા જ ઉદાર શ્રેષ્ઠીઓનું ‘ઝળહળતા માનવીઓ’ કહી નવા જ વિચાર સાથે અનોખું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રારંભે સર્વમિત્ર કે આર દોશી ટ્રસ્ટ સાથે જોડાયેલા ડોક્ટર્સ, દાતાઓ અને વિવિધ અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય બાદ સંસ્થા પ્રમુખ અમર આચાર્યએ સંસ્થાની કામગીરીનો પરિચય પોતાની સંવેદના અને ભાવ સાથે આપ્યો હતો તો સમગ્ર કાર્યક્રમનું સુચારૂ અને ગરિમાપૂર્ણ સંચાલન સુચિતા કપૂરે કર્યું હતું.

જેમણે પચાસ વર્ષની ઉંમર પછી આવકનો એક પણ રૂપિયો ઘરે ન લઈ જવાની પ્રતિજ્ઞા કરી છે અને અગિયાર કરોડ રૂપિયા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન આપવાનો સંકલ્પ કરેલો છે તેવા ડૉ જગદીશ ત્રિવેદીએ એક લાખ રૂપિયા તે જ સમયે સંસ્થાને દાનમાં આપ્યા ઉપરાંત સર્વ મિત્રની કામગીરી જોઈ દર વર્ષે આવો એક કાર્યક્રમ આપવાની તથા ક્યારેય પણ કોઈ પણ જરૂરત હોય તેમને નિસંકોચ કહેવા જણાવ્યું છે હતું. અંતમા રાષ્ટ્ર ગીત ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે ઉપસ્થિત સહું ભાવનગરમાં લાંબા સમય બાદ આવો ઉત્તમ, ગરીમાપૂર્ણ અને સંવેદનશીલ કાર્યક્રમ યોજાયાની છાપ લઇને છૂટા પડ્યા હતા.





