ભાવનગર તા.૨૦
ભાવનગરની જહાંગીર મિલના કમ્પાઉન્ડમાંથી શહેરની સરિતા સોસાયટીમાં રહેતા ૧૪ વર્ષીય કિશોરનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા નિલમબાગ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને કિશોરના મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના નિર્મળનગર, બહુમાળી ભવનની સામેના ભાગે આવેલ જહાંગીર મિલના કમ્પાઉન્ડમાં બાવળની ઝાડીઓની વચ્ચે કિશોરનો ગાળાના ભાગે ઇજા કરી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની બાતમી મળતા નિલમબાગ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કિશોર શહેરની સરિતા સોસાયટીમાં રહેતો પલ શશીકાંતભાઈ વાઢીયા ( ઉં. વ.૧૪ ) હોવાનું ખુલ્યું હતું. પલ વાઢીયા ધોરણ ૯ માં અભ્યાસ કરતો હોવાનું તેમજ ગઈ કાલે મોડી સાંજે નાસ્તો કરવા માટે ઘરેથી નીકળ્યા બાદ આજે સવારે તેનો મૃતદેહ જહાંગીર મિલના કંપાઉન્ડમાંથી મળી આવ્યો હતો.
પોલીસે કિશોરના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.