કર્ણાટક ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મોદી મંગળવારે કલબુર્ગીમાં રોડ શો પહેલા બાળકોને મળ્યા હતા. બાળકોને મળતી વખતે તે રમુજી અંદાજમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોને તેમની આંગળીઓ વડે અનેક આકાર બનાવવા કહ્યું. જે બાળકોએ કરીને બતાવ્યું. આ પછી પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે તેઓ શું બનવા માગે છે? તેના પર એક બાળકે જવાબ આપ્યો કે તે ડોક્ટર બનવા માંગે છે અને બીજાએ કહ્યું કે તે પોલીસ બનવા માંગે છે.
આ પછી પીએમ મોદીએ બાળકોને પૂછ્યું કે શું તમને વડાપ્રધાન બનવાનું મન નથી થતું તો એક છોકરાએ કહ્યું કે તે તમારા જેવા બનવા માંગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉત્તર કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગૃહ જિલ્લા કલબુર્ગીમાં એક મોટો રોડ શો યોજ્યો હતો. ખડગેએ મોદીને ઝેરી સાપ સાથે સરખાવ્યા અને તેમના ધારાસભ્ય-પુત્ર અને પૂર્વ મંત્રી પ્રિયંક ખડગેએ તેમનાં વિરૂદ્ધ ટિપ્પણી કરી હતી. જેનાં થોડા દિવસો બાદ તેમનો રોડ શો થયો.
વડાપ્રધાને શણગારેલ વાહનમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સુશોભિત ખુલ્લા વાહનમાં સવાર થઈને પીએમ મોદીએ ભાજપની કેસરી ટોપી પહેરી હતી. અને ગળામાં પીળી શાલ લપેટી હતી. તેમની સાથે કલબુર્ગીના બીજેપી સાંસદ ઉમેશ જાધવ અને કેન્દ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી ભગવંત ખુબા પણ હતા.