દેશની ત્રીજા નંબરની અને ગુજરાત રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભાવનગર ખાતે આજે સવારે સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મંદિર ખાતેથી શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પ્રસ્થાન કરાવાયુ હતુ જેમાં મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની સાથે ભગવાન જગન્નાથજી રથમાં બિરાજી નગરચર્યાએ નીકળ્યા હતા દિવસ ભર ૧૮ કિલોમીટરના રૂટ પર ફરીને સાંજે નિજમંદિર પરત ફરશે.

સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ભાવનગર ખાતે આજે 38મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સવારે સોનાના સાવરણાથી સાધુ સંતો અને મહંતોના હસ્તે પહિંદ વિધિ તેમજ છેડા પોરા વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે મેયર, ધારાસભ્ય, સાંસદ સહિત રાજકીય આગેવાનો અને નગરશ્રેષ્ઠીઓ તથા નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના ગગનભેદી નારા સાથે નિકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રારંભથી જ હજારો ભાવિકો જોડાયા હતા અને બલરામજી તથા સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. ભાવનગર ખાતે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આ વખતે હાથી ઘોડા, મિનિ ટ્રેન, વાંદરો, નાસિક ઢોલ સહિત આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા આ ઉપરાંત રથયાત્રામાં વિવિધ સામાજિક સંદેશા આપતા ફ્લોટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિવિધ સંસ્થાઓ, મંડળો, એસોસિયેશનો તથા રાજકીય આગેવાનો અને વિવિધ સોસાયટીના રહીશો દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. રથયાત્રાના સમગ્ર રૂટ પર કેસરિયા ધજા, તેમજ કમાનો અને હોડીગ્સો લગાવી આકર્ષણ ઊભો કરાયું છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા બપોર સુધીમાં મુખ્ય બજાર સુધી પહોંચી જશે અને ત્યારબાદ સાંજ સુધીમાં સેન્સેટિવ વિસ્તાર પસાર કરી નિજમંદિર ખાતે રાત્રે પરત ફરશે અને ત્યાં ધર્મ સભા યોજાશે જેમાં સંતો મહંતો આશીર્વચન પાઠવશે. રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર પ્રસાદ, પાણી, છાસ, સરબતનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા પણ ૩ ટન ચણાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રથયાત્રાને સફળ બનાવવા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયા સહિત તમામ સભ્યો અને કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.





