ભગવાન ગણેશજીની પૂજા આરાધના લોકો મંગળવારના વિશેષ અવરસે તેમજ ગણેશ ચતુર્થી નિમિત્તે કરતા હોય છે. આગામી સમયમાં ગુજરાતમાં ગણેશ ચતુર્થી પણ આવી રહી છે પરંતુ શ્રાવણ મહિનામાં શિવની સાથે ભગવાન ગણેશની પૂજા કરવાનું વિશેષ મહત્વ ધાર્મિક માન્યતાઓમાં પણ માનવામાં આવે છે.
20 ઓગસ્ટે વિનાયક ચતુર્થી વ્રત રાખવામાં આવશે અને ગણેશજીની વિધિવત પૂજા કરવામાં આવશે. આ દિવસનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનાની છેલ્લી ગણેશ ચતુર્થી 20 ઓગસ્ટે છે. ગણેશ ચતુર્થી દર મહિનાની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. શ્રાવણ માસની વિનાયક ચતુર્થી ઉપવાસ કરી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી ઉપાસકને જ્ઞાન અને બુદ્ધિના આશીર્વાદ મળે છે અને ગણેશ ઘરને ધન અને અનાજથી ભરી દે છે. આવો તમને જણાવીએ આ વ્રતનું મહત્વ અને શુભ મુહૂર્ત.
પંચાંગ અનુસાર વિનાયક ચતુર્થી 19 ઓગસ્ટે રાત્રે 10.19 કલાકે શરૂ થશે. જે 21 ઓગસ્ટે રાત્રે 12.21 કલાકે પૂર્ણ થશે. આ રીતે વિનાયક ચતુર્થી વ્રત 20 ઓગસ્ટે મનાવવામાં આવશે. શાસ્ત્રોના નિયમો અનુસાર ગણેશજીની પૂજા મધ્યાહ્ન સમયે કરવામાં આવે છે. 20 ઓગસ્ટના રોજ સવારે 11.26 થી બપોરે 1.58 વાગ્યા સુધી પૂજાનો શુભ સમય રહેશે.
શ્રાવણમાં ભગવાન શિવની સાથે તેમના પુત્ર તરીકે ઓળખાતા ગણેશજીની પૂજાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગણેશજીની પૂજામાં ભગવાનને દૂર્વા ચઢાવવા અને મોદક કે બેસનના લાડુ ચઢાવવાનું વિશેષ મહત્વ છે.
શ્રાવણ વિનાયક ચતુર્થીના દિવસે સવારે વહેલા સ્નાન કરો અને ત્યાર બાદ સંકલ્પ લઈ લાકડાની ચોકડી પર લાલ કપડું પાથરી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. ભગવાનને જનોઈ, દુર્વા, પુષ્પ, પંચમેવા, પંચામૃત, ચોખા અર્પણ કરો. ભોગમાં મોદક, મોતીચૂરના લાડુ ચઢાવો અને બાદમાં ગણેશજીના મંત્રોથી આરતી કરો અને પ્રસાદના રૂપમાં ભોગ બધામાં વહેંચો.