વર્લ્ડકપ અગાઉની અત્યંત મહત્વની એવી એશીયાકપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની ભારતીય ટીમમાં રવિચંદ્રન અશ્વીન અને યુઝવેન્દ્ર ચહલ જેવા સ્પિનરની પસંદગી થવી જરૂરી હતી તેમ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો મદનલાલ અને કરશન ઘાવરીએ અભિપ્રાય આપ્યો હતો.એશીયાકપ માટે સોમવારે ભારતીય ટીમની જાહેરાત થઈ ત્યારબાદ કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટર્સે સ્પિનરને નજર અંદાજ કરવા બદલ આકરી ટીકા કરી છે.
ભારતીય ટીમમાં કુલદીપ યાદવનો સમાવેશ કરાયો છે પરંતુ ત્યારબાદનાં સ્પિન બોલીંગ વિકલ્પ તરીકે ટીમમાં રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ રહી જાય છે. આમ ટીમમાં કોઈ સ્પેશ્યાલીસ્ટ સ્પિનર જોવા મળતો નથી. મદનલાલે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલીયન બેટસમેન કુલદીપ યાદવને સારી રીતે રમી શકે છે.યુઝવેન્દ્ર ચહલને તક આપવાની જરૂર હતી તે મેચ વીનીંગ બોલર છે.
1983 ની વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમનાં સદસ્ય મદનલાલે ઉમેર્યું હતું કે અશ્વિન 500 થી 600 વિકેટ ઝડપી ચૂકયો છે.આપણે તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઈનલમાં પણ રમાડયો ન હતો. ટીમ મેનેજમેન્ટ આ બાબત સારી રીતે જાણે છે. ભૂતપૂર્વ ડાબોડી ઝડપી બોલર કરશન ઘાવરીએ પણ અશ્વિનનાં સમાવેશને ટેકો આપ્યો હતો. તેણે જણાવ્યુ હતું કે ભારતીય પરિસ્થિતિમાં રવિચંદ્રન અશ્વીન મહત્વનો બોલર બની શકે છે. તેમણે 712 ઈન્ટરનેશનલ વિકેટ ખેરવી છે હવે તેણે શું પુરવાર કરવાનું બાકી રહી ગયુ છે. તે ટીમના સીનીયર પ્લેયર હોવા છતાં તેની સાથે યોગ્ય વ્યવહાર થતો નથી. તે ઉમદા બોલર છે અને તેને એશીયાકપ માટે પસંદ કરવાની જરૂર હતી. વર્લ્ડકપમાં પસંદ કરવાની જરૂર હતી. વર્લ્ડકપમાં પણ તે અત્યંત મહત્વનો બની શકે તેમ છે.
મદનલાલે તો લોકેશ રાહુલ અને શ્રેયર ઐય્યરની ફીટનેસ અંગે પણ સવાલો કર્યા હતા. આ બન્ને ખેલાડી લાંબા સમય સુધી ઈજાને કારણે બહાર રહ્યા બાદ પરત ફરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે મોટાભાગે તો આપણે વિચારતા હતા તેવી જ આ ટીમ છે . એકમાત્ર ચિંતા ફીટનેસની છે કેમ કે એશીયાકપ અને વર્લ્ડકપ બન્ને મોટી ઈવેન્ટ છે અને આ સંજોગોમાં ફિટનેસનું લેવલ મહત્વનું બની રહે છે. ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે વધુમાં જણાવ્યું હતું કે જો તમે શારીરીક રીતે ફીટ નથી તો માનસીક રીતે પણ ફીટ નથી કેમ કે ઈજાની ચિંતા હંમેશા તમને સતાવતી રહે છે.આશા રાખીએ કે પસંદગીકારોએ આ બાબતને ધ્યાનમાં લીધી હશે.
કરશન ઘાવરીએ જણાવ્યું હતું કે ભારતે તિલક વર્માને સ્થાને યશસ્વી જયસ્વાલને પસંદ કરવાની જરૂર હતી. તેણે વેસ્ટ ઈન્ડીઝમાં શાનદાર દેખાવ કરેલો છે. તે સારા ફોર્મમાં છે. તે એશીયાકપની ટીમમાં હોવો જોઈતો હતો.જયસ્વાલ ભારતીય ટીમનું ભવિષ્ય છે. દરેક વ્યકિત તિલક વર્માને ઉતમ ગણાવે છે.પરંતુ પરફોર્મન્સ કયાં છે? હું આશા રાખુ છું કે તે સારો દેખાવ કરે તેમ ઘાવરીએ ઉમેર્યું હતું.
			

                                
                                



