વિશ્વભરમાં ક્રિકેટ ચાહકોમાં જેની પ્રતિક્ષા છે તે વન-ડે વર્લ્ડકપનો આવતીકાલથી પ્રારંભ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ઇંગ્લેન્ડ તથા ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો ખેલાશે. 10 ટીમો વચ્ચે ભારતના 10 મેદાનોમાં 48 મેચો રમાશે. પ્રથમ મુકાબલો વર્લ્ડ કપમાં ફાઇનલ રમનાર ઇંગ્લેન્ડ તથા ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને દેશોની ટીમોનું અમદાવાદ આગમન થઇ જ ગયું છે અને આજે નેટ પ્રેકટીસ પણ કરી હતી.
5 ઓકટોબરથી 19 નવેમ્બર સુધી અંદાજીત દોઢ મહિના સુધી ચાલનારા આ વર્લ્ડકપમાં કુલ 10 ટીમો સામેલ છે. ભારતના 10 મેદાનોમાં કુલ 48 મેચો રમાવાના છે. ઉતર ભારતના ધર્મશાલાથી દક્ષિણમાં ચેન્નાઇ-બેંગ્લોરના મેદાનોમાં મેચ રમાશે. 2019માં ધોરણે જ આ વખતનું વર્લ્ડકપ ફોર્મેટ રાખવામાં આવ્યું છે. 10 ટીમોમાં ભારત, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન તથા નેધરલેન્ડનો સમાવેશ થાય છે.
દરેક ટીમો એકબીજા સામે એક-એક લીગ મેચ રમશે અને ટોપ-ફોર ટીમો સેમી ફાઇનલ રમશે. પોઇન્ટ ટેબલમાં પ્રથમ અને ચોથા ક્રમની તથા બીજા અને ત્રીજા ક્રમની ટીમો વચ્ચે સેમીફાઇનલ રમાશે. 9માંથી 7 મેચ જીતનારી ટીમનો સેમીફાઇનલ પ્રવેશ નિશ્ચીત બની જશે.વર્લ્ડકપના મેચો માટે ભારતના 10 મેદાનો નિયત કરવામાં આવ્યા છે. તેમાં અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઇ, દિલ્હી, ધર્મશાલા, કોલકતા, લખનૌ, મુંબઇ, પુના તથા હૈદ્રાબાદનો સમાવેશ થાય છે. વિશ્વકપન સેમીફાઇનલ તથા ફાઇનલ મેચો માટે રીઝર્વ ડે રાખવામાં આવ્યા છે.
લીગ મેચ વરસાદ કે અન્ય કારણોસર ન રમાઇ શકે તો બંને ટીમોને સમાન પોઇન્ટ મળશે. આવતીકાલે વર્લ્ડકપની પ્રથમ ટકકર અમદાવાદથી શરૂ થવાની છે જયારે અમદાવાદમાં જબરદસ્ત ક્રિકેટ ફિવર જામ્યો છે. દુનિયાના સૌથી મોટા એક લાખથી અધિક દર્શકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પ્રથમ મેચમાં ભારત સહિત દુનિયાભરની ક્રિકેટ સેલીબ્રીટીઓ હાજર રહેશે. પ્રથમ મેચ માટેની ટીકીટો અગાઉ જ હાઉસફુલ થઇ ગઇ હતી અને તેના પરથી જ ક્રિકેટપ્રેમીઓના ઉત્સાહ રોમાંચની સાબીતી મળી હતી. વર્લ્ડકપ પૂર્વે મેદાનથી માંડી સમગ્ર શહેરમાં સુરક્ષા, ટ્રાફિક સહિતની અભેધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઓપનીંગ સેરેમનીને બદલે આજે સાંજે ‘કેપ્ટનસ મીટ’
વર્લ્ડકપના આરંભ પૂર્વે ઝાકઝમાળભરી ભવ્ય ઓપનીંગ સેરેમનીની પરંપરા છે. અમદાવાદમાં આજે વર્લ્ડકપનાં પ્રારંભ પુર્વે આશા ભોંસલે, રણવીરસિંહ, અરીજીતસિંહ, તમન્ના ભાટીયા, શ્રેયા ઘોષાલ, જેવા સ્ટારનો કાર્યક્રમ નકકી થયો હતો.પરંતુ તે કેન્સલ કરાયો હતો.ક્રિકેટ બોર્ડે જોકે સતાવાર રીતે ઓપનીંગ સેરેનમી રદ થવા વિશે કોઈ વિધીવત જાહેરાત કરી નથી. સુત્રોના કહેવા પ્રમાણે ઓપનીંગ સેરેમનીનાં સસ્પેન્સ વચ્ચે ‘કેપ્ટન્સ ડે’ઈવેન્ટ રાખવામાં આવી છે.આ કેપ્ટન્સ ડે ઉજવણીમાં તમામ 10 ટીમોનાં કપ્તાન હાજર રહેશે. આજે તમામ 10 ટીમોના કેપ્ટન અમદાવાદ પહોંચી જશે. તમામ કેપ્ટનોનું ટ્રોફી સાથે ફોટોસેશન યોજાશે અને આ કપ્તાનો મીડીયા સાથે વાતચીત પણ કરશે.




