ઈઝરાયેલમાં હમાસની બર્બરતાના સમાચાર અને ફોટો સામે આવી રહ્યા છે. જેના આધારે દાવો કરવામાં આવે છે કે, આતંકવાદીઓએ નાના બાળકોને માનવતાની બધી જ હદો પાર કરી અમાનવીય અત્યાચાર આ માસુમ બાળકો પર ગુજાર્યો છે. હમાસે નિર્દોષ બળોના ગળા કાપી તેમને મારી નાખ્યા છે. તો કેટલાક બાળકોને જીવતા સળગાવી દેવાના ફોટો સામે આવી રહ્યા છે. આ તસવીરો ઈઝરાયેલના વડાપ્રધાનના ઓફિશિયલ હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ તસવીરો એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ઈઝરાયેલના પ્રવાસે છે.
આ પોસ્ટ ઇઝરાયેલના પીએમના સત્તાવાર ‘X’ હેન્ડલ પરથી શેર કરવામાં આવી હતી. લખવામાં આવ્યું છે કે, ‘વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ તસવીરો અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને બતાવી હતી. હમાસના રાક્ષસોના હાથે બાળકોની હત્યા અને તેમને જીવતા સળગાવેલી આ ભયાનક તસવીરો છે. હમાસનું આ કૃત્ય અમાનવીય છે. હમાસ ISIS છે. પેલેસ્ટિનિયન જૂથ હમાસે શનિવારે ઇઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા. બાદમાં ઇઝરાયેલ દ્વારા યુદ્ધની ઘોષણા કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ એટલે કે IDFને લગભગ 40 બાળકોના મૃતદેહ મળ્યા હતા જેમના માથા કાપી નાખવામાં આવ્યા હતા. ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આતંકવાદીઓ દ્વારા બાળકોના માથા કાપી નાખવાની તસવીરોની પુષ્ટિ કરીશ.’ હમાસ સામેના યુદ્ધમાં અમેરિકા ખુલ્લેઆમ ઇઝરાયેલ સાથે જોડાયું છે. જો કે, પાછળથી ફોટોગ્રાફ્સ અંગે, વ્હાઇટ હાઉસે કહ્યું કે બિડેન અને અન્ય અધિકારીઓએ સ્વતંત્ર રીતે આ ફોટોગ્રાફ્સ જોયા નથી અને ન તો આવા અહેવાલોની પુષ્ટિ કરી છે. નિવેદનના થોડા કલાકો પછી, ઇઝરાયેલી સરકારે બાળકોના ફોટોગ્રાફ્સ શેર કર્યા, જેમાં તેણે કહ્યું કે હમાસ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ઈઝરાયેલે કહ્યું કે આ ફોટા બ્લિંકનને પણ બતાવવામાં આવ્યા હતા.






