આતંકી સંગઠન હમાસના હુમલા બાદ વિફરાયેલા ઇઝરાયેલ દ્વારા ગાઝા પર બેફામ બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર વધુ ૪૦૦ હવાઇ હુમલા કર્યા છે, જેને કારણે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૦૦ લોકો માર્યા ગયા છે. હમાસના આતંકીઓના ખાતમાના દાવા સાથે ઇઝરાયેલ દ્વારા આ હુમલા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ઇઝરાયેલનો દાવો છે કે તે હમાસના આતંકીઓ છુપાયા છે ત્યાં હુમલા કરી રહ્યું છે. અને છેલ્લા ૨૪ કલાકમાં જે હુમલા કરાયા છે તેમાં હમાસના અનેક આતંકીઓ અને કમાંડર માર્યા ગયા છે. જ્યારે પેલેસ્ટાઇનનો દાવો છે કે આ હુમલામાં ગાઝામાં રહેતા નિર્દોશ નાગરિકો માર્યા ગયા છે.
સાત ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ પર હમાસના આતંકીઓ દ્વારા અડધી કલાકમાં જ પાંચ હજારથી વધુ નાના રોકેટ છોડવામાં આવ્યા હતા, સાથે જ ઇઝરાયેલમાં ઘુસીને નિર્દોશ નાગરીકોની હત્યા કરી હતી અને ૧૫૦થી વધુને બંધક પણ બનાવ્યા હતા. ઇઝરાયેલના બેફામ હુમલાઓ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંગળવારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલ ગાઝામાં હુમલા કરી રહ્યું છે, જેને કારણે ગાઝાના મોટાભાગના હોસ્પિટલોમાં સારવાર બંધ થઇ ગઇ છે. હાલ ગાઝાની ૭૦ ટકા હોસ્પિટલો બંધ પડી છે. જેને કારણે ઇઝરાયેલના હુમલામાં જે લોકો ઘાયલ થયા છે તેમને સારવાર મેળવવી મુશ્કેલ થઇ પડયું છે. પેલેસ્ટાઇન માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કહ્યું છે કે ઇઝરાયેલના હુમલામાં તેના સ્ટાફના છ લોકો પણ માર્યા ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૩૫ વર્કર્સ માર્યા ગયા છે.
ગાઝામાં હમાસના આતંકીઓના ખાતમા માટે ઇઝરાયેલ દ્વારા જમીની સ્તરે ઓપરેશન
બીજી તરફ ઇઝરાયેલની મદદ માટે અમેરિકા આગળ આવ્યું છે, અમેરિકાએ ઇરાક અને સીરિયામાં આતંકી સંગઠન આઇએસનો નાશ વાળવામાં મદદરૂપ થનારી મરીન કમાંડરને ઇઝરાયેલ રવાના કરી છે. હાલ ગાઝામાં હમાસના આતંકીઓના ખાતમા માટે ઇઝરાયેલ દ્વારા જમીની સ્તરે ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં અમેરિકાની આ મરીન કમાંડર મદદરૂપ થશે. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટમાં જણાવાયું હતું કે અમેરિકાની મરીન કમાંડરના લેફ્ટનન્ટ જનરલ જેમ્સ ગ્લિન અને અન્ય અધિકારીઓને ઇઝરાયેલ રવાના કરવામાં આવ્યા છે. ઇઝરાયેલના હુમલાઓમાં ગાઝામાં અત્યાર સુધીમાં ૩૨ મસ્જિદોનો નાશ વળી ગયો છે, હમાસ દ્વારા પણ હાલ હુમલા ચાલુ છે, હમાસે ઇઝરાયેલી સૈન્યના ૨ બેઝ પર ડ્રોન હુમલા કર્યા હતા, જ્યારે વળતા જવાબમાં ઇઝરાયેલ દ્વારા એક મસ્જિદ પર હુમલા કરાયો હતો.