વિશ્વમાં સૌથી ખરાબમાં ખરાબ હવાની ગુણવત્તા ધરાવતા દેશોમાં વર્ષ 2022માં ભારત આઠમા ક્રમે આવતું હોવાનું સ્વિસ ગ્રૂપ IQAirનાં અભ્યાસમાં જણાયું છે. શુક્રવારે ભારતની રાજધાની દિલ્હીનો એર ક્વૉલિટી ઈન્ડેક્સ ખતરનાકમાં ખતરનાક કેટેગરીમાં 640થી 700ની આસપાસ હતો. તે પછી બીજા નંબરે પાકિસ્તાનનાં શહેર લાહોરનો AQI 335 હતો. વિશ્વનાં સૌથી પ્રદૂષિતમાં પ્રદૂષિત શહેરમાં દિલ્હી ટોચ પર છે
દુનિયાનાં ખતરનાક પ્રદૂષિત ટોપ -10 શહેરોમાં ભારતનાં 3 શહેરો દિલ્હી, મુંબઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. શિયાળાને કારણે નીચું તાપમાન, પવનનો અભાવ તેમજ પડોશી રાજ્યોમાં ઘઉંની પરાળી સળગાવવાને કારણે દિલ્હી તેમજ આસપાસનાં શહેરોની હવા ઝેરીલી બનતી હોવાનું અને વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બનતી હોવાનું અભ્યાસમાં જણાવાયું હતું. ખરાબ અને ઝેરીલી હવાને કારણે નવી દિલ્હીનાં 2 કરોડ લોકોને આંખમાં બળતરા થવાની તેમજ ગળામાં ખારાશની સમસ્યા સર્જાઈ હતી. દિલ્હીનાં મોટાભાગનાં વિસ્તારોમાં સતત 6ઠ્ઠા દિવસે હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી હતી અને AQI 480ની આસપાસ ખરાબ કેટેગરીમાં હતો.
સરકારી-ખાનગી આફિસોના 50 ટકા સ્ટાફને વર્ક-ફ્રોમ હોમ કરવાના નિર્દેશ
દિલ્હીમાં હવાનું પ્રદૂષણ વકરવાને કારણે હવે દિલ્હીના તમામ સરકારી અને ખાનગી કાર્યાલયોમાં 50 ટકા સ્ટાફને વર્કફ્રોમ હોમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રવિવારે દિલ્હી-એનસીઆરમાં પબ્લિક પ્રોજેક્ટ્સના બાંધકામ પર પણ પ્રતિબંધ લાદ્યો છે. સાથે ટ્રક્સ અને કોમર્શિયલ ફોર વ્હીલર્સના દિલ્હીમાં પ્રવેશ સામે પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
દેશનાં ટોપ -10 શહેરોમાં ગ્રેટર નોઈડા અને ફરીદાબાદ સૌથી આગળ
દેશનાં ટોપ -10 શહેરોમાં ગ્રેટર નોઈડા અને ફરીદાબાદ સૌથી આગળ છે. જેમાં ગ્રેટર નોઈડાનો AQI 476 છે જ્યારે ફરીદાબાદનો AQI 456 નોંધાયો હતો. નોઈડામાં 433, હરિયાણાનાં ગુરુગ્રામમાં 435, સિરસામાં 432, કેંન્થલમાં 455, ફતેહાબાદમાં 454 અને હિસ્સારમાં AQI 447 નોંધાયો હતો.