ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ બાદ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઈઝરાયેલે ભારત પાસેથી 100,000 કામદારોની મોકલવાની માંગણી કરી છે. એક અહેવાલ મુજબ ઈઝરાયેલની બાંધકામ કંપનીઓએ સરકાર પાસે 100,000 ભારતીય કામદારોની પરવાનગી માંગી છે. જેથી કરીને 90 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓને રિપ્લેસ કરી શકાય. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી પેલેસ્ટાઈનની વર્ક પરમિટ રદ કરવામાં આવી છે.
પેલેસ્ટિનિયન કામદારો વર્ષોથી ઇઝરાયેલમાં બાંધકામ કંપનીઓમાં કામ કરે છે. 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ આ લોકોને કામ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે ઈઝરાયેલમાં મોટાભાગનું બાંધકામનું કામ અટકી ગયું છે. પહેલા જે ઈમારતોનું બાંધકામ ચાલતું હતું તે જગ્યાઓ હવે સાવ સુમસામ ભાંસી રહી છે. જે લોકોએ મકાનો ખરીદ્યા છે તેઓ બિલ્ડરો પર કામ ચાલુ કરવાનું દબાણ કરી રહ્યા છે. ઇઝરાયલી બિલ્ડર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 90 હજાર પેલેસ્ટિનિયન મજૂરોમાંથી 10 ટકા ગાઝાના છે અને બાકીના વેસ્ટ બેંકના છે.
ઈઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશન સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે, અમે 50 હજારથી 1 લાખ ભારતીય મજૂરોને લાવવા માટે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલમાં કામ કરી રહેલા ઘણા પેલેસ્ટાઈનીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ સમગ્ર મામલે એક વ્યક્તિએ પોતાની વ્યથા ઠાલવી હતી કે, હું હોટેલમાં ચા પીઉં છું ઘરે જઈને ભોજન કરું છું અને પછી મારા મિત્રો સાથે હોટેલમાં જઈ રોકાઈ જાઉ છું. મારી પાસે હવે કામ નથી. ઇઝરાયેલમાં ચાલતી મોટાભાગની બાંધકામ સાઇટ્સ પર મોટો ભાગના ચીની નાગરિકો છે.
ઇઝરાયેલે ભારતમાંથી કામદારોને બોલાવવાનો એમઓયુ પહેલેથી જ કર્યો હતો. ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેન મે મહિનામાં ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી જે મુજબ 42,000 ભારતીય કામદારો ઈઝરાયેલ જશે. જેમાંથી 34,000 બાંધકામ ક્ષેત્રે કામ કરશે.