ભાવનગર રેલવે ડિવિઝનના ટિકિટ ચેકિંગ સ્ટાફે માત્ર એક ટ્રેનમાં અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો પાસેથી મંગળવારે રૂ. ૪.૪૧ લાખ વસૂલ્યા હતા. ટ્રેનની ટિકિટ ચેકિંગ આવકમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.
લોકોને ટીકીટ વગર અને નિયમો વિરૂધ્ધ ટ્રેનમાં મુસાફરી કરતા અટકાવવા માટે ભાવનગર ડીવીઝનમાં તા.૦૭ને મંગળવારના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશન ખાતે ખાસ ટીકીટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ખાસ ટિકિટ ચકાસણી ઝુંબેશમાં ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ (૧૨૯૪૧)ની એક જ ટ્રેનમાંથી ૫૦૪ કેસ બનાવવામાં આવ્યા હતા, જેમાં ટિકિટ વગર અને અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો પાસેથી કુલ રૂ. ૪.૪૧ લાખની વસૂલાત કરવામાં આવી હતી.
ટ્રેનની ટિકિટ ચેકિંગ આવકમાં આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં ૧૦ ટિકિટ ચેકિંગ સ્ટાફની ટીમ તૈનાત કરવામાં આવી હતી. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર સુશ્રી નીલાદેવી ઝાલા અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર કલ્પેશકુમાર જી. દવેની દેખરેખ હેઠળ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ડિવિઝનને આ નોંધપાત્ર સિદ્ધિ મળી છે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે ટીકીટ ચેકીંગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની તેમની રેકોર્ડબ્રેક કામગીરી બદલ પ્રશંસા કરી હતી અને તમામ રેલ્વે મુસાફરોને યોગ્ય ટીકીટ ખરીદીને મુસાફરી કરવા અપીલ કરી હતી.