આગામી લોકસભા ચૂંટણી પુર્વે સેમીફાઈનલ જંગ સમાન પાંચ રાજયોની ધારાસભા ચુંટણીઓમાં મિઝોરમની 40 અને છતીસગઢની નકસલગ્રસ્ત 20 બેઠકો પર મતદાન પુરુ થયું છે પરંતુ હવે દિપાવલી બાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢની બાકીની 40 બેઠકો તેમજ તેલંગાણાની 90 બેઠકોમાં મતદાન થશે અને તા.3 ડિસે.ના રોજ ચુંટણી પરિણામો જાહેર થશે તે સાથે જ દેશમાં લોકસભા ચૂંટણીનો તખ્તો પણ તૈયાર થઈ જશે તેવા સંકેત છે. દિવાળી બાદ ચુંટણી પ્રચાર વેગ પકડશે. રાજસ્થાન સહિતના રાજયોમાં આવી રહેલા ઓપીનીયન પોલમાં કશ્મકશનું ચિત્ર દર્શાવાઈ રહ્યું છે.
ખાસ કરીને ભાજપ માટે 2024નો જંગ જીતવા આ વિધાનસભા ચુંટણીઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવો જરૂરી છે અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના પક્ષના ટોચના નેતાઓ તમામ રાજયોમાં ધુંવાધાર પ્રચાર કરી રહ્યા છે. છતીસગઢમાં જે રીતે નકસલગઢ ક્ષેત્રમાં પ્રથમ તબકકામાં 78 ટકા મતદાન થયું તેથી આ ક્ષેત્રમાં મતદાનના અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે અને બીજા તબકકામાં પણ હવે ભારે મતદાન થશે તેવા સંકેત છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તો અગાઉ જ ચુંટણી ગરમી સર્જાઈ ગઈ છે અને તેથી બંને રાજયોમાં ભાજપ અને કોંગ્રેસમાં સીધો મુકાબલો છે અને તેથી બંને પક્ષો માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જે ઓપીનીયન પોલ આવી રહ્યા છે તેમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાતળી સરસાઈ સાથે રાજસ્થાનમાં ભાજપ અને છતીસગઢમાં ફરી કોંગ્રેસ જીતશે તેવા સંકેત છે અને જો ઓપીનીયન પોલ સાચા પડે તો ભાજપ માટે તે આંચકો હશે. રાજસ્થાન દર પાંચ વર્ષે સતા પક્ષ બદલે છે પરંતુ મધ્યપ્રદેશ જેવું રાજય કે જે 2018માં ભાજપે ગુમાવ્યું હતું અને બાદમાં પક્ષાંતરના આધારે સરકાર બનાવી હતી તે પછી હવે ફરી એક વખત તે સ્થિતિ ભાજપ માટે સૌથી વધુ મુશ્કેલ હશે.
મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના બાગી ઉમેદવારો સૌથી વધુ નુકસાન કરે તેવા સંકેત છે અને બાગીઓને મનાવવા માટેના પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે અને આથી ચુંટણી બાદ ચુંટાનારા અપક્ષોના ભાવ પણ વધી જશે તે નિશ્ર્ચિત છે. તેલંગાણામાં શાસક ભારત રાષ્ટ્રીય સમીતી અને કોંગ્રેસ વચ્ચે સીધી ટકકર છે અને ભાજપે અહી ત્રીજા સ્થાને છે. જયારે મિઝોરમમાં ભાજપ અને સ્થાનિક પક્ષો ચુંટણી જીત મેળવી જાય તેવા સંકેત છે.