વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બર રવિવારના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતે આ વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે ખરાબ શરૂઆત બાદ સતત આઠ મેચ જીતી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને મોહમ્મદ શમી સહિત તમામ ભારતીય ખેલાડીઓ સારા ફોર્મમાં છે.
વર્લ્ડ કપમાં ટોપ બેટ્સમેનોમાં ભારતીય ક્રિકેટરનું નામ બોલાઈ રહ્યું છે. વિરાટ કોહલીએ 10 મેચમાં 711 રન કર્યા છે. મોહમ્મદ શમીએ માત્ર 6 મેચમાં 23 વિકેટ લીધી છે. ટોપ 5-6 હિટર બેટ્સમેનમાં પણ ભારતીય ક્રિકેટરોએ ડંકો વગાડ્યો છે. કેપ્ટન રોહિત શર્માએ 10 મેચમાં 28 છગ્ગા ફટકાર્યા છે. બાઉન્ડ્રી હિટરમાં વિરાટ કોહલી 64 ચોગ્ગા ફટકારીને પ્રથમ નંબરે છે અને રોહિત શર્મા 62 ચોગ્ગા ફટકારીને બીજા નંબરે છે.