ભારતનું વિશ્વવિજેતા બનવાનું સપનુ ચકનાચુર થઈ ગયુ હોવા છતાં ભારતીય ખેલાડીઓએ અનેક રેકોર્ડ સર્જયા હોવાથી મહતમ ટ્રોફી ભારતને મળી હતી. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ ભારતના ફાળે જ આવ્યો હતો.
વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાયો હતો. તેને નવ ઈનીંગ્સમાં શાનદાર બેટીંગ કરીને સૌથી વધુ 765 રન બનાવ્યા હતા. કીવીઝ સામેનાં સેમીફાઈનલમાં સદી ફટકારી હતી અને ગઈકાલનાં ફાઈનલમાં ફીફટી ફટકારી હતી. આ સિવાય સૌથી વધુ 24 વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શામીને ગોલ્ડન બોલ એનાયત કરાયો હતો.તેણે 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. કીવીઝ સામેનાં સેમીફાઈનલમાં સાત વિકેટ ખેડવી હતી. પ્લેયર ઓફ ધ મેચ ઓસ્ટ્રેલીયાની ફાઈનલમાં સદી ફટકારનાર ટ્રેવીસ હેડને જાહેર કરવામાં આવ્યો હતો.
આ સિવાય સર્વોચ્ચ વ્યકિતગત સ્કોરનો એવોર્ડ અણનમ 201 રન ફટકારનાર ગ્લેન મેકસવેલને ટુર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીનો એવોર્ડ 4 સેંચુરી કરનાર દ.આફ્રિકાનાં ઓપનર કવીંટન ડીકોક, સૌથી વધુ સીકસની ટ્રોફી ભારતીય કપ્તાન રોહીત શર્મા (31 સીકસર) સર્વશ્રેષ્ઠ બોલરનો એવોર્ડ એક મેચમાં 7 વિકેટ ખેડવનાર મોહમ્મદ શામી, વિકેટ પાછળ સૌથી વધુ 20 શિકાર કરનાર દ.આફ્રિકાના વિકેટકીપર ડીકોકને શ્રેષ્ઠ વિકેટકીપર, તથા સૌથી વધુ 11 કેચ પકડનાર ડેરીલ મીચેલને સર્વશ્રેષ્ઠ ફીલ્ડરની ટ્રોફી આપવામાં આવી હતી. સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો એવોર્ડ ટુર્નામેન્ટમાં 68 ચોગ્ગા વિરાટ કોહલીને આપવામાં આવી હતી. સૌથી વધુ 6 અર્ધ સદીનો એવોર્ડ પણ કોહલીને મળ્યો હતો.