રાજ્યની યુનિવર્સિટીઓના ઈતિહાસમાં પહેલીવાર સરકારી યુનિવર્સિટીને IT વિભાગે નોટિસ મોકલીને કરોડોનો ટેક્સ ભરવા કહેવાયું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU)ને ઈન્કમટેક્સ વિભાગે રૂ.50 કરોડ ભરવા માટે નોટિસ પાઠવી છે. આ નોટિસ સામે અપીલ કરવા માટે હાલ યુનિવર્સિટીએ 5 કરોડ રૂપિયા ભરવા પડ્યા છે.
ગજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં નાણાકીય વર્ષ 2016-17માં હિસાબો અંગેના ટેક્સ રિટર્નની પ્રક્રિયા ભૂલ થઈ હતી. યુનિવર્સિટીને IT વિભાગ તરફથી મળતા ઈમેઈલ સમયસર ન જોવામાં ન આવતા નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં અત્યાર સુધીના બાકી ઈન્કમટેક્સ ઉપરાંત દંડની સાથે અંદાજે રૂ.50 કરોડ જેટલી રકમ ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
GTUના સત્તાધીશોનું કહેવું છે કે, વર્ષ 2016-17માં IT રિટર્ન ભરવામાં ભૂલ થઈ હતી. એક ક્લોઝ હેઠળ IT ભરાતા આ પ્રકારની ભૂલ ઊભી થઈ હતી. યુનિવર્સિટીના એકાઉન્ટન્ટે યોગ્ય માહિતી ન આપી હોવાથી અથવા યુનિ.ના CAની ભૂલના કારણે આ નોટિસ આપવામાં આવી છે. આ માટે હવે CA ફર્મને પણ નોટિસ આપવામાં આવી છે. ITની નોટિસ મામલે યુનિવર્સિટી દ્વારા ટ્રિબ્યૂનલમાં અપીલ કરવામાં આવી છે, અપીલ પ્રક્રિયા માટે હાલમાં 5 કરોડ રૂપિયા પણ ભરવા પડ્યા છે. જો ટ્રિબ્યૂનલમાંથી રાહત ન મળે તો ટેક્સ અને દંડની રકમ સાથે કુલ મળીને 50 કરોડ રૂપિયા ભરવા પડી શકે છે.