ભારતના ચંદ્રયાન-3 મીશનની સફળતા અને હવે સૂર્ય ભણી રવાના કરાયેલા આદીત્ય એલ-વન પણ તેની નિર્ધારિત દિશામાં આગળ વધીને થોડા જ દિવસમાં સૂર્યના પરિક્ષણનો કામગીરી શરૂ કરશે. તેનાથી પ્રભાવિત અમેરિકી સ્પેસ સંસ્થા નેશનલ એરોનેટીક એન્ડ સ્પેસ એડમીનીસ્ટ્રેશન (નાસા)એ આગામી વર્ષે જ ભારતીય અવકાશવાહીને નાસાને અભિયાનના ભાગરૂપે એનટીડીમાં મોકલવા ઓફર કરી છે તથા ભારતને સ્પેસ લેબ નિર્માણ તથા તેને અંતરીક્ષમાં સ્થાપીત કરવા તથા સંચાલનમાં સહયોગની પણ તૈયારી દર્શાવી છે. ભારત 2040 સુધીમાં ચંદ્ર પર સમાનવ અવકાશયાન ઉતારવા અને 2035 સુધીમાં ખાસ સ્પેસ લેબ સ્થાપવા માટે આગળ વધી રહ્યું તે સમયે નાસાની આ સહયોગ ઓફર મહત્વની છે.
ભારતનો સ્પેસ પ્રોગ્રામ ખુદજ કરકસરયુક્ત અને અત્યંત સફળ દિશામાં આગળ વધી રહ્યો તેમાં ચંદ્રયાન-3 એ તો દુનિયાને અચંબામાં મુકી છે. તે સમયે ‘નાસા’ના વડા બિલ નેલ્સન હાલ ભારતની મુલાકાતે છે અને તેઓએ બેંગ્લુરુ-અમદાવાદ સહિતના ઈસરોના કેન્દ્રોની મુલાકાત નિશ્ચિત કરી છે.
તેઓએમાહિતી આપતા જણાવ્યું કે અમેરિકા અને ભારત સંયુક્ત અવકાશ કાર્યક્રમની દિશામાં આગળ વધી રહ્યા છે. જેમાં આગામી વર્ષના અંત સુધીમાં ભારતના એક અવકાશયાત્રીને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર મોકલવા સાથે કામ કરી રહ્યા છે. જેમાં અવકાશયાત્રીની પસંદગી ઈસરો કરશે અને જો ભારત ઈચ્છે તો અંતરીક્ષ સ્ટેશનના નિર્માણમાં પણ અમેરિકા સહયોગ કરવા તૈયાર છે.
ભારત 2040 સુધીમાં એક કોમર્શિયલ સ્પેસ સ્ટેશન સ્થાપવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અમો તેમાં સહયોગ કરી શકીએ છીએ. નાસાના વડાએ દિલ્હીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી હતી.