ભાવનગરના બાલયોગીનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાનું તાળું તોડી લોખંડના કબાટમાં રાખેલ સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ મળી કુલ રૂ. ૨.૭૩ ની ધોળા દિવસે ચોરી કરીને ફરાર થઈ જતા ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી તપાસ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના એરપોર્ટ રોડ થી મંત્રેશ કોમ્પલેક્ષ તરફ જવાના રોડ પર આવેલ બળયોગીનગરમાં વિનોદભાઈ હરિભાઈ બારૈયાના મકાનમાં ભાડેથી રહેતા અર્જુનભાઈ ભીખાભાઈ મકવાણા અને તેમના પત્ની વસુબહેન ગઈકાલે સવારે ૧૦ વાગ્યા આસપાસ લૌકિક કામે ઘોઘા ગયા હતા તે દરમિયાન ૧૦ થી ૧૧ વાગ્યાના સમયગાળામાં અજાણ્યા તસ્કરોએ ઘરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી લોખંડના કબાટનો લોક તોડી કબાટની અંદર રાખેલ સોનાની ચુડી નંગ-૦૨, સોનાની વીંટી નંગ-૦૩,કાનની સર, સોનાનું મંગળસૂત્ર, સોનાનો ૦૧ ચેઇન, સોનાના ૦૩ પેન્ડલ, સોનાની ૦૨ ચૂક, ચાંદીના ૦૫ સિક્કા,ચાંદીની ૦૫ રાખડી, ચાંદીના છડા તેમજ કબાટની અંદર રાખેલા રોકડા રૂ. ૫૦ હજાર મળી કુલ રૂ. ૨,૭૩,૦૦૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે અરજણભાઈએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.