સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચતા જ એનડીએના સાંસદોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સાંસદોએ નારા લગાવ્યા – મોદી સરકાર વારંવાર. તીસરી બાર મોદી સરકાર. લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ બેનરો લહેરાવ્યા હતા. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ગૃહમાં પ્લેકાર્ડ લાવી શકાય નહીં. ગૃહ નિયમ મુજબ ચાલશે. હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
સત્ર શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે બહાર મળેલી હારનો ગુસ્સો ગૃહમાં ન કાઢતા. સૌનું ભવિષ્ય ઉજ્જવળ હોય છે. ગૃહમાં સકારાત્મક ચર્ચા થાય. નવી સંસદ છે, કેટલીક ખામીઓ અનુભવાઈ શકે છે. તેને દૂર કરીશું. મને વિશ્વાસ છે કે સંસદ સ્પીકર અને ઉપરાષ્ટ્રપતિના નિર્દેશન હેઠળ ચાલશે. સત્ર માટે અમે વિરોધ પક્ષના સાથીઓ સાથે ચર્ચા કરીએ છીએ. આ વખતે પણ એવું જ થયું છે.
લોકશાહીનું આ મંદિર લોકોની આકાંક્ષાઓ માટે અને વિકસિત ભારતના પાયાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તમામ સાંસદોએ મહત્તમ તૈયારી સાથે આવવું જોઈએ. બિલ પર સારી ચર્ચા થવી જોઈએ અને વધુમાં વધુ સૂચનો આવવા જોઈએ. જ્યારે કોઈ ચર્ચા નથી થતી ત્યારે દેશ આ બાબતોને ચૂકી જાય છે. વર્તમાન ચૂંટણી પરિણામોના આધારે વિપક્ષના સાથીઓ માટે સારી તક છે.
સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ચાલશે. 19 દિવસમાં 15 બેઠકો થશે. આ સત્રમાં હાજરી આપવા આવેલા પીએમ મોદીએ સંસદની બહાર મીડિયાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ગઈકાલે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા. પરિણામો ખૂબ જ ઉત્સાહજનક છે – તે લોકો માટે પણ પ્રોત્સાહક છે, જેઓ સામાન્ય લોકોના કલ્યાણ માટે, દેશ માટે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે.