બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા ‘સાયક્લોનિક સ્ટોર્મ’માં પરિવર્તિત થયું છે. જેને ‘મિચોંગ’ નામ આપવામાં આવ્યું છે. તે આજે એટલે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે પહોંચવાની આશા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી હતી.
હવામાન વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ગંભીર ચક્રવાતી તોફાન ‘મિચોંગ’ આજે બપોરે 2.30 વાગ્યે ચેન્નાઈથી 100 કિમી ઉત્તર-પૂર્વમાં અને નેલ્લોરથી 120 કિમી દક્ષિણ-પૂર્વમાં બંગાળની ખાડી પર કેન્દ્રિત છે.” તે ધીમે ધીમે તીવ્ર બનશે અને ઉત્તર તરફ આગળ વધશે અને 5 ડિસેમ્બરની બપોરે એક ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે નેલ્લોર અને માછલીપટ્ટનમની વચ્ચે બાપટલા નજીક દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરશે.”
દરમિયાન, ચક્રવાતી વાવાઝોડું ‘મિચોંગ’ સોમવાર સવારે 8:30 વાગ્યે ચેન્નાઈથી લગભગ 90 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થયું હતું. હવામાન વિભાગે ઉત્તર-તટીય તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ચેન્નાઈમાં 8 લોકોના મોત થયા હતા. સતત ભારે વરસાદને કારણે ઓમન્દુર સરકારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બહાર વાલાજાહ રોડ, માઉન્ટ રોડ, અન્ના સલાઈ, ચેપોક સહિતના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદને કારણે ચેન્નાઈના લોકપ્રિય મરિના બીચ પર પાણી ભરાઈ ગયું હતું અને માઉન્ટ રોડથી મરિના બીચ સુધીના રસ્તાઓ પાણી ભરાઈ જવાને કારણે બ્લોક થઈ ગયા હતા.